- મંદિર સંકુલના જે રૂમમાં રેપ થયો હતો ત્યાં FSLની તપાસ
- સ્વામી જગતપાવન દાસનું લોકેશન વડતાલમાં બતાવતા શોધખોળ શરૂ
- વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ઘટનાથી સમગ્ર રાજયમાં હડકંપ મચી ગયો
શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે આવતી સગીરા સાથે લગાતાર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનારા હાલના વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામિ જગતપાવન દાસ સામે વડોદરા પોલીસ તંત્ર દ્વારા લૂક આઉટ નોટિસ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમ ડી.સી.પી. પન્ના મોમાયાએ જણાવ્યું છે.
શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલના જે કમરામાં તત્કાલિન કોઠારી સ્વામી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું તે કમરામાં આજે પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરાઇ હતી.
વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ઘટનાથી સમગ્ર રાજયમાં હડકંપ મચી ગયો છે. ભોગ બનનાર માંજલપુરની યુવતી હાલમાં 23 વર્ષની છે. પરંતુ જયારે તેની સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તેની ઉંમર 14 વર્ષ અને 11 મહિના હતી. કિશોરી તેના પિતા સાથે વાડી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી. ત્યારે આ મંદિરના કોઠારી સ્વામી જગતપાવનદાસે તા. 10મી સપ્ટેમ્બર 2016થી તા. 30મી નવેમ્બર 2019 સુધીના સમયગાળામાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને માંજલપુર ખાતેની સ્કૂલમાં ભણતી પીડિતાને મળવા માટે સ્કૂલે જઈને ગર્ભ નિરોધક ગોળીઓ આપી આવ્યા હતા. અનેક વખત ન્યૂડ વીડિયો કૉલ કર્યા હતા અને ન્યૂડ ફોટોગ્રાફ વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારે ગઈકાલે શનિવારે વાડી પોલીસ સ્ટેશન ખાતે વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલિન કોઠારી સ્વામી જગત પાવન દાસ સામે ફરિયાદ નોંધાવી છે.


