- શિખ સમાજના પ્રથમ શાસક મહારાજા રણજીતસિંહની પ્રતિમા કરતારપુરમાં સ્થાપિત કરાઈ
- પાકિસ્તાનના લાહોરમાં કટ્ટરપંથીઓએ થોડા વર્ષો પહેલા મૂર્તિ તોડી નાખી હતી
- અગાઉ લાહોર કિલ્લામાં મહારાજા રણજીતસિંહની સમાધિ પાસે સ્થાપિત હતી
પાડોશી દેશ એવા પાકિસ્તાને પોતાની ભૂલ સુધારી લીધી છે. શિખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીતસિંહની પ્રતિમાને રિપેરિંગ કરાયા બાદ 450 જેટલા શિખ શ્રદ્ધાળુઓની હાજરીમાં બુધવારે કરતારપુર સાહિબમાં ફરીથી સ્થાપિત કરી લેવામાં આવી છે. આ પ્રતિમા હેલા લાહોરમાં આવેલા કિલ્લામાં મહારાજા રણજીતસિંહની સમાધિ પાસે સ્થાપિત કરાઈ હતી. જેને ધાર્મિક કટ્ટરપંથીઓએ ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી.
શિખ સમુદાયની મહત્ત્વની ગુરુદ્વારા
પાકિસ્તાન અને ભારતના શિખ સમુદાયના સભ્યોએ મહારાજાના પ્રતિમા સ્થાપિત કરાતા તેની સામે ફોટા પડાવ્યા હતા. પંજાબ સુબાના પ્રથમ શિખ મંત્રી અને પાકિસ્તાન શિખ ગુરુદ્લારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ રમેશસિંહ અરોડાએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. આ લાહોરથી આશરે 150 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં ભારતીય સીમા પાસે આવેલું છે.
લાહોરના કિલ્લામાં પ્રતિમાને નુકસાન થયું હતું
રમેશસિંહ અરોરાએ જણાવ્યું હતું કે, “અમે આજે ગુરુદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સાહિબમાં સ્થાનિક અને ભારતીય શીખોની હાજરીમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સ્થાપિત કરી છે અને વધુ સારી સુરક્ષા પણ કરવામાં આવશે, જેને લાહોર કિલ્લામાં નુકસાન થયું હતું.” ” 44 વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાએ કહ્યું કે પુનઃસ્થાપિત પ્રતિમા કરતારપુર સાહિબ ખાતે મુખ્યત્વે એટલા માટે સ્થાપિત કરવામાં આવી હતી કે જેથી કોરિડોરનો ઉપયોગ કરીને સરહદ પારથી અહીં આવતા ભારતીય શીખો પણ તેને જોઈ શકે.
આ પણ જાણી લો
મહારાજા રણજીત સિંહની 9-ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સૌપ્રથમ 2019 માં લાહોરના કિલ્લામાં તેમની સમાધિ નજીક સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ ઈસ્લામિક રાજકીય પક્ષ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) ના કાર્યકરો દ્વારા તેને બેવાર નુકસાન થયું હતું. પંજાબના મહાન શિખ શાસકની પ્રતિમા બ્રિટિશ સંસ્થા દ્વારા રાજ્યના લોકોને ભેટમાં આપવામાં આવી હતી. મહારાજા રણજીત સિંહ શીખ સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમનું સામ્રાજ્ય ભારતીય ઉપખંડના ઉત્તરપશ્ચિમ સુધી વિસ્તરેલું હતું અને રાજધાની લાહોર હતી.


