જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
દિવસે કોઇની નીંદા ન કરે, રાત્રે ઓછી નિંદ્રા કરે એ સાધુ છે
સિનેમામાં ઊંઘ નથી આવતી એમ શ્રીનામમાં પણ ઊંઘ ન આવવી જોઇએ!
મૃત્યુ લોક એટલા માટે મહિમાવંત છે કે અહીં આપણી ‘મા’નો જન્મ થયો છે
અતિશય દેખિ ધર્મ કે ગ્લાની, પરમ સભીત ધરા અકુલાની
ધેનુસૂપ ધરિ બિચારી, ગઇ તહાં જહાં સૂર મુનિ ઝારી
હરિ હઉં સકલ ભૂમિ ગરૂઆઇ, નિર્ભય હોહુ દેવ સમુદાઇ
કોચી (કેરળ)ની ભૂમિ પર શનિવારથી પ્રિય મોરારિબાપુની રામકથા (કથાક્રમાંક : ૯૭૯) ‘માનસ મૃત્યુલોક’નો શુભારંભ થયો હતો. કોચીના હયાત ઇન્ટરનેશન હોટલના વાતાનુકૂલિત સંવાદગૃહમાં કથાના કેન્દ્રીય વિષયની ભૂમિકા સમજાવતા બાપુએ કહ્યું હતું કે આદી જગદગુરૂ શંકરાચાર્યજીની, શાંકરીભૂમિ (કાલડી)નું સ્મરણ થાય છે. અહીંથી દસ કિલોમીટર જ દૂર શંકરાચાર્યજીનું ગામ કાલડી છે. આજથી નવ દિવસીય રામકથા ‘માનસ મૃત્યુલોક’ વિષયને કેન્દ્રમાં રાખી આપણે પ્રેમસંવાદ કરીશું. ‘માનસ સ્વર્ગ’ પર એક કથાગાન થયું છે. માનસ સ્વર્ગ પર કથા નથી કરી! ‘માનસ સ્વર્ગ’ પર એક કથાગાન થયું છે. તે માનસ સ્વર્ગ પર કથા નથી કરી! ‘માનસ મૃત્યુ’ પર સિડની (ઓસ્ટ્રેલિયા)માં કથાગાન થયું છે. પૃથ્વીલોકને મૃત્યુ લોક મનાય છે. માણસનું પતન થાય એના કરતાં મૃત્યુ થાય એ હિતકારી છે. ઓશો એ જયારે એ આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતાં ત્યારે દ્વારકામાં એક શિબિર કરેલી એ શિબિરમાં રજનીશજી ‘મૈં મૃત્યુ શીખાતા હું’ એ વિષય પર બોલેલા.
આપણા શાસ્ત્રોમાં ચૌદ લોક છે. એમાં ત્રણ મુખ્ય છે. (૧) સ્વર્ગ લોક (૨) મૃત્યુ લોક (3) પાતાલ લોક, મૃત્યુ લોક મધ્યમાં છે એટલે આ મઘ્યમ વર્ગ છે. બ્રહ્મા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. વિષ્ણુ વૈકુંઠમાં વસે છે. જયારે મારો મહાદેવ મૃત્યુલોક પૃથ્વી લોકમાં રહે છે. મૃત્યુ લોકના પરમ દેવ મહાદેવ છે. આ મૃત્યુ લોક માત્ર ભૂમિનો ટુકડો નથી. આ જગત પ્રકૃતિના સૌંદર્યોથી ભરેલું છે. જગત આટલું સુંદર છે. તો જગદીશ કેટલો સુંદર હશે! આપણે ત્યાં શિખરોની મહિમા છે. શિખરો આપણને ઊંચે જોવાનું શીખવે છે. સંત મન્સુરની ઘટના છે. મન્સુરને લોકોએ શૂળી પર ચડાવી દીધો છે. બે હજાર માણસો ભેગા થયા છે. એમાં મન્સુરના ગુરૂ પર હાજર હતા. ગુરૂ મન્સુરને કહે છે કે ભાઇ તને આ લોકોએ શૂળી પર ચડાવી દીધો અને તું હસે છે? હમણા તારૂ મૃત્યુ થશે. ત્યારે મન્સુર કહે છે કે ભલે મને શૂળીએ ચડાવ્યો પણ એ બ્હાને લોકોએ ઊંચુ તો જોયું! હંમા ઊંચુ જોતા શીખવું દ્રષ્ટિ ઉપર રાખવી આમ શિખર આપણને ઊંચુ જોતાં શિખવે છે. તો પાંચ શિખર છે (૧) કૈલાસ શિખર (૨) ગિરનાર શિખર (3) આબુ પર્વત શિખર (૪) કામદગિરિ શિખર અને (પ) ગૌવર્ધન શિખર.
આપણે મૃત્યુ લોકમાં આવ્યા છીએ તો મૃત્યુ લોકોને મહોત્સવ કેમ ન બનાવીએ! ગંગા પૃથ્વી પર છે, સ્વર્ગમાં ગંગા નથી, ચંદ્રલોક દૂર નગરી છે. સ્વર્ગમાં હિમાલય નથી. બાપુએ હળવાશથી કહ્યું કે સ્વર્ગમાં ચા અને કેરી (આમ) નથી. ચાને કેરી અહીં પૃથ્વી લોકમાં જ છે. સ્વર્ગ લોકમાં આમ (કેરી) નથી ત્યાં ખાસ લોક જ છે! આપણને જીવતા આવડી જાય તો મૃત્યુ લોક અમર લોક બની જાય! આપણે ત્યાં અઢાર પૂરાણો છે. પણ એક પ્રકૃતિ પૂરાણ હોવું જોઇએ. પ્રકૃતિ પૂરાણ એ ઓગણીસમું પુરાણ છે. આ જગત-પૃથ્વી લોકમાં કેટલું સૌંદર્ય ભરેલું છે.
ગઇકાલ-રવિવારે કથાના બીજા દિવસનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં બાપુએ કહ્યું કે જીવન સાધનાની ભૂમિકા-પીઠિકા મૃત્યુ લોક છે. મૃત્યુ લોકમાં મનુષ્ય દેહ દુર્લભ છે. ઓશોના સંન્યાસી સ્વામી સત્યવેદાંતજી તલગાજરડા આવેલા, એમણે એક વાત કહેલી જો કે કાલ્પિનક છે. એમણે કીધું કે ભગવાન બૃધ્ધ, લાઓત્સુ અને કોન્ફયુસીસ સ્વર્ગમાં જાય છે તો સ્વર્ગમાં એક અપ્સરા આ ત્રણેયનું સ્વાગત કરે છે અને ત્રણેયને એક પાત્રમાં રસ આવે છે. લાઓત્સુને એ રસ મધુર સ્વાદુ લાગે છે. બુધ્ધને રસ કઠોર-કડવો લાગે છે. જયારે કન્ફયુસીસને રસ બે સ્વાદુ લાગે છે. હવે લાઓત્સુ પ્રકૃતિપ્રેમી હતાં એટલે એમને એ રસ મધુર લાગ્યો, બુધ્ધને કઠોર-કડવો લાગ્યો છે એ આપણને શીખવા માટે કે જગત કષ્ટમય-દુ:ખમય છે. હવે અહીંથી તલગાજરડાને કહેવું છે કે મૃત્યુ લોક મધુર છે. ગાંધીનગર એક પ્રવચન શ્રેણીમાં એક વાત કહેલી કે લોકો કહે છે કે જીવનએ કષ્ટ છે. બીજો કહે જીવન દુષ્ટ છે, ત્રીજો કહે કે જગત ભ્રષ્ટ છે, કોઇ કહે જીવન-જગત નષ્ટ છે, પણ મારા માટે હું કહું કે જીવન જગત ઇષ્ટ છે.
એક ભાઇ બીજાભાઇને કહે કે મારે ત્રીસ લાખની લોન લેવી છે. ત્યારે બીજા ભાઇએ લોન લેનારને કહ્યું કે ત્રીસ લાખની લોનના હપ્તા ત્રીસ વરસ સુધી ભરવા એના કરતાં બેંક લૂંટીને એ સસ્તું પડશે! કેવી રીતે! બેંક લૂંટીશ એટલે જેલમાં જઇશ અને દસ વર્ષમાં છૂટી જઇશ!!! એક શ્રોતાનો પ્રશ્ન છે કે બાપુ, મૃત્યુ લોકમાં સાધુની જેમ નિરંતર પ્રસન્નતા મળે એનો માર્ગ-ઉપાય કયો? જવાબ: ખૂબ સરળ છે. ખાસ કરીને યુવાનોને કહું કે જગદગુરૂ શંકરાચાર્યજી એ આ છ સરળ માર્ગ બતાવ્યાં છે. એ મુજબ જો જીવાય તો એ સાધુ જેવી પ્રસન્નતા મળી શકે છે (૧) હિતકારી અને મર્યાદિત ભોજન (૨) નિત્ય એકાંત સેવન (3) બીજાના હિત-કલ્યાણ માટે કોઇને એક જ વખત કહેવું, ન સમજે તો એના નસીબ પર છોડી દેવું. કોઇને વારંવાર કોઇ વાત ન સમજાવવી, એક જ વખત એને એના કલ્યાણ, એના શુભની વાત કરવી (૪) ઓછી નિંદ્રા (૫) પોતાના નિયમોને અનુસરવું અને (૬) નિત્ય સ્વાધ્યાય કરવો.
માનસમાં તુલસીદાસજીએ અશ્રુ અને આશ્રયનો મહિમા બતાવ્યો છે. આઠ પ્રકારના અશ્રુ-અશ્રુ અષ્ટક, આઠ પ્રકારના આશ્રય આશ્રયાષ્ટક છે. અહીં અશ્રુ અષ્ટકની વાત કરૂ, કયારેક આ આઠ અશ્રુ અને આઠ આશ્રયની વિસ્તારથી વાત કરીશ. અશ્રુઅષ્ઠક (૧) હર્ષાશ્રુ હરખના આંસુ (૨) શોકાશ્રુ (3) યોગાશ્રુ (૪) વિયોગના આંસુ (૫) ક્રોધના આંસુ (૬) કપટના આંસુ (૭) ગુરૂદર્શન માટે આંસુ અને (૮) નિષ્ચલ પ્રેમાશ્રુ-પ્રેમના આંસુ. મૃત્યુ લોકનો મહિમા એટલા માટે છે કે આ લોકપ્રકૃતિથી સભર છે સદગ્રંથો બધા પૃથ્વી પર જ આવ્યા છે, મૃત્યુ લોકના ફાયદા એ છે કે અહીં પ્રસન્નતા છે, સ્વર્ગમાં પ્રસન્નતા છે. મૃત્યુ લોકમાં અવતારો છે, બાકી બધાં ઉતાર છે! સ્વર્ગમાં રાત ફેરી છે, મૃત્યુ લોકમાં પ્રભાત ફેરી છે અને સૌથી મોટી વાત તો એ છે કે મૃત્યુ લોક મહિમાવત છે કેમ કે અહીં જ આપણી ‘મા’નો જન્મ થયો છે. રામ અને કૃષ્ણ પણ મૃત્યુલોકમાં જ આવ્યા છે એટલે મૃત્યુ લોક મહિમાવંત છે.
કથારત્નો
(૧) માનસ માત્ર ગ્રંથ નથી, ગ્રંથિઓથી મુકત કરતો પવિત્ર શાસ્ત્ર છે
(૨) મૃત્યુ લોકના દેવતા બ્રાહ્મણ છે
(3) અશ્રુ અને આશ્રય આપે એ ગુરૂ
(૪) સ્વાદી કે સ્વાર્થી ન બનો, પણ સારથી બનો- જૈનમુનિ
(૫) સંયોગની સીમા છે, વિયોગ અસીમ છે
(૬) રામનામ આપણા જીવનમાં સાત્વિક સૃષ્ટિ નિર્માણ કરે છે
(૭) આશ્રયનું મૂળ અશ્રુ છે
(૮) કુછ લેના ન દેના, મગન રહેતા, ગહેરી નદિયાં, નાવ પુરાની, કેવટિયા સે મિલે રહેના…કબીર
(૯) સ્મરણ મરણને મારી દે છે!


