- રશિયાની રાજધાની મૉસ્કોમાં વિમાન દુર્ઘના સર્જાઈ
- દુર્ઘટના સમયે વિમાનમાં કોઈ પ્રવાસી સવાર નહોતા, માત્ર ક્રૂ મેમ્બર્સ હતા
- વર્ષ-2019માં રશિયામાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 41 લોકોનાં મોત થયા હતા
યુક્રેન સાથે રશિયાના યુદ્ધ વચ્ચે મોટી ઘટના સામે આવી છે. રશિયાની રાજધાની મૉસ્કો પાસે એક પ્રવાસી વિમાનને અકસ્માત નડયો છે. જો કે દુર્ઘટનામાં વિમાનમાં કોઈ પ્રવાસી સવાર નહોતા. પરંતુ વિમાનનું સંચાલન કરનાર ત્રણ સભ્યોનાં મોત થયાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વિમાન મૉસ્કોના વનુકોવો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું
મળતી માહિતી મુજબ આ એરક્રાફ્ટ ગેઝપ્રોમ એવિયાનું હતું. ગેઝપ્રોમ રશિયાની સૌથી મોટી કુદરતી ગૅસ કંપની પણ છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન મૉસ્કોના વનુકોવો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. રશિયાની ટોચની તપાસ એજન્સી ‘ધ ઈન્વેસ્ટિગેશન કમિટીએ’ આ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે.
સમારકામના કામ પછી પ્લેન ક્રેશ થયું
મળતી માહિતી અનુસાર, સમારકામના કામ બાદ પ્લેન ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. રશિયા છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમી બનાવટના એરક્રાફ્ટને બદલવા માટે સુખોઈ સુપરજેટ વિકસાવી રહ્યું છે. 2022 માં યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવા પર ભારે પ્રતિબંધો પછી રશિયાએ તેના વૃદ્ધ એરક્રાફ્ટ ફ્લીટને બદલવા માટે સંઘર્ષ કર્યો છે.
અગાઉ પણ અકસ્માતો થયા છે
તમને જણાવી દઈએ કે મે 2019માં પણ એક સુખોઈ સુપરજેટ ક્રેશ થયું હતું. આ ઘટનામાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલાની તપાસમાં પાયલટની ભૂલ સામે આવી. પાયલોટે ઇંધણ ભરેલા પ્લેનને તેજ ગતિએ લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો.


