સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભાજપ દ્વારા ધ્વજારોહણ અને મહાઆરતી
દેશની સુખાકારી, સમૃદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે પ્રાર્થના
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત ૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સુશાસનને સમર્પિત વિવિધ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના આયોજન હેઠળ રામનાથપરા સ્થિત સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તથા ભવ્ય મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલભાઈ શુક્લ, શહેર ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો. ધ્વજારોહણ બાદ મહાદેવજીની મહાઆરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિકોએ રાજ્ય અને દેશની સુખાકારી, સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકસિત ભારતના સંકલ્પની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ગરીબ કલ્યાણ, ખેડૂતોના ઉત્થાન, મહિલા સશક્તિકરણ, યુવાનો માટે નવી તકો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ક્રાંતિ જેવા ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનોએ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.


