મત્ત: પરતરં નાન્યત્કિંચિંદસ્તિ ધનંજય ।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિ ગણા ઇવ ॥ 7-7 ॥
અર્થ : હે ધનંજય, મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કોઇ જ નથી. દોરામાં જેમ મણકા પરોવાયેલા હોય છે તેમ આ સર્વ જગત મારામાં ઓતપ્રોત થતું પરોવાયેલું છે.
શ્રી કૃષ્ણે અહીંયાં આખું જગત તેમની સાથે ઓતપ્રોત થયેલું છે અથવા તેમના થકી જ આખું જગત રહેલું છે તે બાબત સ્પષ્ટ કરી છે. તેમના સિવાય બીજું કોઇ જગતમાં છે જ નહીં તેમ જણાવીને તે આગળ અગિયારમા અધ્યાયમાં જે વિશ્વરૂપદર્શન અર્જુનને કરાવવાનાં છે તેનો પણ જાણે કે સંકેત આપતા હોય તેવું લાગે છે. બ્રહ્માંડના ગ્રહો, ઉપગ્રહો, તારલા, ધરતી પર આવેલાં પર્વતો, નદીઓ, સાગરો, જંગલો, ઝરણાં, મેદાનો, મનુષ્યો, પ્રાણીઓ, સર્વ જીવો, સજીવ કે નિર્જીવ તે બધા જ ભગવાનના કહ્યા મુજબ તેમના થકી છે અથવા એમની અંદર સમાવિષ્ટ છે, તેમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. વધુમાં આ વિધાનનો બીજો અર્થ એવો પણ નીકળી શકે છે. ભગવાનના અસ્તિત્વમાં જ સમગ્ર જગતનું અસ્તિત્વ સમાયેલું છે. આ શ્લોકમાં એક એવો ગૂઢ અર્થ પણ જોવા મળે છે કે સમગ્ર જગત ઈશ્વરનું છે. તેમાં જે કાંઈ પણ છે તે ઈશ્વરી શક્તિથી પ્રગટેલું છે અને ઈશ્વરી શક્તિ માટે જ છે. આપણે સૌએ આપણી આસપાસ પ્રભુના અસ્તિત્વનો સતત અહેસાસ કરતા રહી ઈશ્વરી શક્તિના ચિંતનમાં વ્યસ્ત રહેવું એ જ ઇષ્ટ જણાય છે અને સમગ્રપણે ભગવાનને દોરારૂપ ગણીને આપણી જાતને તેમનામાં સમાવિષ્ટ માની ધન્યતા અનુભવવી જોઈએ.
રસ: અહં અપ્સુ કૌંતેય પ્રભા શશિસૂર્યયો: II
પ્રણવ: સર્વ: વિદેષુ શબ્દ: ખે પૌરુષમ નૃષુ II 7/8 II
અર્થ : હે કૌન્તેય, પાણીમાં હું રસ છું, ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ હું છું, સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર હું છું. આકાશમાં શબ્દ હું છું અને પુરુષોમાં પુરુષત્વ પણ હું છું.
આપણે અપરા પ્રકૃતિમાં જોયું કે પૃથ્વી, આકાશ, વાયુ, પ્રકાશ અને અગ્નિ એ ભગવાને જ ઉત્પન્ન કરેલી પ્રકૃતિના ભાગ છે. તે સંદર્ભમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, હે કુંતીપુત્ર, હું જળમાં રસ છું. પ્રશ્ન થાય કે જળમાં રસ કેવો હશે? આપણે રસ શબ્દનો અર્થ ખટાશ, ખારાશ, ગળપણ, તૂરાશ કે મીઠા વગરનું પાણી હોય તો આપણે તેને મોળું અથવા ફિક્કું પાણી કહીએ છીએ. ભગવાન કહે છે કે પાણીમાં રહેલા આ દરેક રસમાં કે સ્વાદમાં તે પોતે સમાવિષ્ટ છે. જુદાં જુદાં સ્થળે જે પ્રકારનું પાણી પ્રાપ્ત થાય છે તેનો સ્વાદ ઈશ્વરદત્ત છે. એમાં ઈશ્વર પોતે સમાયેલા છે. ભગવાન કહે છે ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ કે તેમનું તેજ હું જ છું. બધા વેદોમાં જે ઓમકારનું તત્ત્વ છે તેમાં ભગાવાન પોતે સાક્ષાત્ સમાયેલા છે. ઓમકાર એટલે બ્રહ્મને બોલાવવાનો પુકાર. યોગના અભ્યાસુઓ દ્વારા જણાવાતું હોય છે કે ઓમનો ઉચ્ચાર ધ્યાનસ્થ થઇને કરવામાં આવે છે ત્યારે તે છેક નાભિ સુધી પહોંચે છે. એટલે ઓમકારના ઉચ્ચારણની સાથે આપણને પ્રભુના સહઅસ્તિત્વનો પણ અનુભવ થાય છે. આકાશમાં ભગવાન શબ્દ સ્વરૂપે છે. આપણે ઉચ્ચારણ કરેલા શબ્દો કે મંત્રો આકાશમાં જતા રહે છે. સાચા હૃદયથી કરેલા પોકાર કે પ્રાર્થનાના શબ્દો આકાશમાં સતત પડઘાતા રહે છે. પ્રભુ આવા શબ્દોને ધારણ કરી લે છે. પુરુષોમાં રહેલું પુરુષાતન કે તાકાત પણ હું જ છું એમ જણાવીને ભગવાને તેમના સર્વત્રપણાની ખાતરી કરાવી છે.