ગીર ગઢડાના દ્રોણેશ્વર ડેમમાંથી કાંપ કાઢવાની ખેડૂતોની માંગ, 10 ગામની સિંચાઈ સમસ્યા હલ થશે
ડેમની માટી ખેતી માટે ફળદ્રુપ, પાણીનો સંગ્રહ વધારવા ધરતીપુત્રોની રજૂઆત
30 ફૂટ ઊંડા ડેમમાં હાલ માત્ર 7-8 ફૂટ પાણી જ ભરાય છે, ચોમાસા પહેલાં કાંપ કાઢો: ગ્રામજનો
અગ્ર ગુજરાત, ઉના
ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામે આવેલા મછુન્દ્રી નદીના પિકઅપ વિયર દ્રોણેશ્વર ડેમમાંથી વર્ષોથી જમા થયેલ માટીનો કાંપ કાઢવાની ખેડૂતો અને પશુપાલકોએ ઉગ્ર માંગ કરી છે. ડેમના નિર્માણ બાદ આજ સુધી એક પણ વખત કાંપ કાઢવામાં ન આવ્યો હોવાથી ડેમની જળસંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે. જો તંત્ર દ્વારા ચોમાસા પહેલાં કાંપ કાઢવામાં આવે તો ઉના અને ગીર ગઢડા તાલુકાના 10 ગામોની પિયત સમસ્યા હલ થઈ શકે તેમ છે.
મછુન્દ્રી નદી પરના બે મુખ્ય ડેમ પૈકીનો એક દ્રોણેશ્વર ડેમગીર ગઢડા પંથક માટે જીવાદોરી સમાન છે. આ ડેમમાંથી કેનાલ મારફતે 10 જેટલા ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો પીવાના પાણી માટે પણ આ ડેમ પર નિર્ભર છે.
અવ્યવસ્થાના અભાવે ડેમ માટીના કાંપથી ભરાઈ ગયો છે. ડેમની અંદાજિત ઊંડાઈ 30 ફૂટથી વધુ હોવા છતાં હાલની સ્થિતિએ માત્ર 7 થી 8 ફૂટ જેટલું જ પાણી સંગ્રહ થઈ શકે છે. પરિણામે ઉનાળામાં એક મહિનામાં જ ડેમ સુકો ભઠ થઈ જાય છે અને લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે.
છેલ્લા 20 વર્ષથી ખેતી અને પશુપાલન કરી જીવન ગુજારતા ગોપાલભાઈ ડાભીએ જણાવ્યું કે,જો ડેમ માંથી કાંપ કાઢવામાં આવે તો ખેડૂતો, લોકો અને પશુ. પાલકોની પાણીની સમસ્યા હલ થાય. હાલ ડેમમાં કાંપ ભરપૂર હોવાથી એક મહિનામાં ડેમ ખાલી થઈ જાય છે
ખેડૂતોની માંગ છે કે, વહીવટી તંત્ર ખેડૂતોને જાતે ડેમ માંથી કાંપ કાઢવાની મંજૂરી આપે. આમ કરવાથી તંત્રના લાખો રૂપિયાનો ખર્ચ બચશે અને ખેડૂતોને ખેતી માટે ફળદ્રુપ માટી પણ મળશે. ડેમની માટી ખેતી માટે ખૂબ જ ઉપયોગી હોવાથી ખેડૂતોને બેવડો ફાયદો થશે.
ગ્રામજનોનું કહેવું છે કે, ડેમમાંથી કાંપ કાઢવો એ પણ વિકાસનું જ કામ છે. કાંપ નીકળવાથી ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થશે, આખું વર્ષ પાણી ખૂટશે નહીં અને ઉનાળામાં ડેમ સુકો પડશે નહીં. આનાથી ખેડૂતોને સારી ખેતી માટે ફળદ્રુપ જમીન અને પૂરતું પાણી મળી રહેશે.
ખેડૂતો અને ગ્રામજનોએ ડેમમાંથી કાંપ કાઢવા માટે અનેક વખત વહીવટી તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી તાકીદે કાંપ કાઢવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.જો ચોમાસા પહેલાં ડેમમાંથી માટીનો કાંપ કાઢવામાં આવે તો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. ધરતીપુત્રોએ તંત્રને વિનંતી કરી છે કે, લોકહિતમાં તાત્કાલિક નિર્ણય લઈ ડેમમાંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે.


