રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ
ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા: ક્રેન વડે ડબ્બા પાટા પર લાવવાની કામગીરી : રેલવે પ્રશાસન દ્વારા તપાસનો ધમધમાટ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલામાં ગત રાત્રીએ એક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ધટના બની હતી. રાજુલા રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી અને પીપાવાવ પોર્ટ તરફ જતી એક ગુડ્સ ટ્રેન (માલગાડી) અચાનક કોઈ કારણોસર પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતા રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રેલવે પ્રશાસન દ્વારા તાબડતોબ બંને રેલવે લાઇન બંધ કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાઓને ક્રેન મારફતે ફરીથી ટ્રેક પર લાવવા માટેની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી. રાત્રિના સમયે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. માલગાડી પાટા પરથી ઉતરી જવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબતે રેલવે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હાલ રેલવે વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.


