વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી: રેતીની ચોરી કરતા ચાર ઈસમો ઝડપાયા, JCB-ડમ્પર સહિત રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, વિરપુર
રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં રેતીની ચોરી કરતા ચાર ઈસમોને વાહનો સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક JCB, ત્રણ ડમ્પર તથા રેતીનો જથ્થો મળી કુલ રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના PSI પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વોની માહિતી મેળવવા હ્યુમન સોર્સ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI બી.સી. મીયાત્રા તથા પોલીસ સ્ટાફના જવાનો કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયા સહિતની ટીમે પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સરકારી જમીનમાંથી રેતીની ગેરકાયદેસર ચોરી કરતા ચાર ઈસમોને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ડમ્પર નં. GJ-02-Z-6219ના ચાલક રસિકભાઈ રત્નાભાઈ સાબરિયા, ડમ્પર નં. GJ-13-X-4444ના ચાલક પ્રતાપભાઈ કેશુભાઈ નાયક, ડમ્પર નં. GJ-18-AT-8839ના ચાલક ટીનુભાઈ વેરશીભાઈ બજાણીયા તથા JCB નં. GJ-03-HE-5668ના ચાલક અર્જુનભાઈ બાબુભાઈ ડામોરને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ તમામ આરોપીઓ જેતપુર તથા નવાગઢ આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 15 લાખની કિંમતનું એક JCB, રૂ. 30 લાખની કિંમતના ત્રણ ડમ્પર તથા રેતીનો સ્ટોક મળી કુલ અંદાજિત રૂ. 1,05,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા ચારેય ઈસમો તથા જપ્ત કરાયેલો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપવામાં આવ્યો છે. તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે નિયમોનુસાર દંડની વસૂલાત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીને પગલે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


