- સૌર્ય એરલાઈન્સનું પ્લેન ક્રેશ, 19માંથી 18 લોકોના થયા મોત
- 2023માં પણ યતિ એરલાઈન્સે લીધો 68 લોકોનો જીવ
- 2022માં 22 લોકોના મોત, 2018માં 49 લોકોના થયા મોત
નેપાળમાં લગભગ દોઢ વર્ષ બાદ મોટી વિમાન દુર્ઘટના બની છે. તેમાં 18 લોકોના મોત થયા છે. વિમાનનો એક પાયલટ ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર લઈ રહ્યો છે. આ પ્લેન ક્રેશની ઘટના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનના ટેકઓફ સમયે બની હતી. પ્લેન ટેકઓફ થતાં જ તેમાં આગ લાગી અને પછી બ્લાસ્ટ થયો. 18 મુસાફરોએ પોતાના જીવ ખોવ્યા.
પ્લેન રનવેથી લપસી ગયું હતું
ટેકઓફ બાદ પ્લેન ક્રેશ થયું અને સાથે હવે ટેકનિકલ ટીમ અને રેસ્ક્યૂ ટીમ તેની તપાસ કરી રહી છે. જો કે નેપાળમાં આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. 2023માં જાન્યુઆરીમાં યતિ એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું. તે સમયે 68 લોકોએ પોતાના જીવ ખોવ્યા હતા. આ પ્લેન પણ કાઠમાંડુથી 205 કિમી દૂર પોખરામાં ક્રેશ થયું હતું. આજે જે વિમાન ક્રેશ થયું છે તે પોખરા જઈ રહ્યું હતું.
જાણો નેપાળ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કેટલા લોકોના થયા મોત
નેપાળમાં સૌથી મોટી ઘટના જાન્યુઆરી 2023માં બની હતી. યતિ એરલાઈન્સનો વિમાન અકસ્માત થયો હતો. તે સમયે 68 લોકોના જીવ ગયા હતા. તેની દુનિયાભરમાં ચર્ચા થઈ. મે 2022માં નેપાળમાં મસ્તંગમાં એક વિમાન ક્રેશ થયું તેમાં 4 ભારતીયો સહિત 22 લોકોના મોત થયા હતા. 2018ની વાત કરીએ તો તે સમયે માર્ચમાં કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી ઘટના બની. અહીંથી 67 મુસાફરો અને 4 ચાલક દળને લઈ જતું યૂએસ-બાંગ્લા એરલાઈનનું પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું અને તેમાં 49 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2016માં નેપાળના કાલીકોટમાં 11 લોકોની સાથેનું વિમાન ક્રેશ થયું હતું.
નેપાળમાં જ શા માટે થઈ રહ્યા છે વધારે પ્લેન ક્રેશ
નેપાળમાં જેટલા પણ એરપોર્ટ છે તે ખાસ કરીને પહાડી વિસ્તારોથી ઘેરાયેલા છે. આ કારણે અહીં લેન્ડિંગ અને ટેકઓફમાં તકલીફ આવી હતી. અહીં એરપોર્ટ પર અપડેટ ટેકનિક નથી અને તેના કારણે લેન્ડિંગ સિસ્ટમ સારી નથી. અહીં નાની ભૂલ પણ મોટી ઘટના બની જાય છે. દર વર્ષે નેપાળમાં કોઈને કોઈ વિમાન ક્રેશની ઘટના બનતી રહે છે.


