શુંનમ્રતાનો અભ્યાસ કરી શકાય? ચોક્કસપણે, તમે નમ્ર છો એ વિશે સભાન હોવું એ નમ્ર બનવું નથી. તમે એ જાણવા ઈચ્છો છો કે તમે આવી ગયા છો. આ એવું સૂચવે છે – શું તે એવું નથી સૂચવતું? – કે તમે કોઈ ખાસ અવસ્થા પ્રાપ્ત કરવા માટે સાંભળો છો,
એવા કોઈ સ્થળે કે જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડે, જ્યાં તમને સનાતન સુખ મળી શકે, કાયમ સ્વર્ગનું સુખ મળે તે માટે સાંભળો છો? પરંતુ મેં તમને પહેલાં કહ્યું તેમ આગમન જેવું કાંઈ નથી, અહીં તો છે કેવળ શીખવાની ગતિ અને એ જ તો જીવનનું સૌંદર્ય છે. જો તમે આવી પહોંચ્યા હો તો ત્યારબાદ આગળ ક્યાંય જવાનું રહેતું જ નથી. તમે બધા આવી પહોંચ્યા છો કે પહોંચવા માગો છો. માત્ર તમારા ધંધામાં નહીં, પરંતુ તમે જે કાંઈ કરો છો તેમાં પણ તમે ક્યાંક પહોંચવા માગો છો, તેથી તમે અસંતુષ્ટ, હતાશ અને દુ:ખી છો. સજ્જનો, એવું કોઈ સ્થળ નથી જ્યાં જવાનું હોય, અહીં તો કેવળ શીખવાની આ ગતિ છે અને જ્યારે તેનો સંગ્રહ કરવામાં આવે ત્યારે તે પીડાદાયક બની જાય છે. જે મન પૂરેપૂરું ધ્યાન આપીને સાંભળે છે તે ક્યારેય પરિણામ ઉપર આવવાની રાહ નથી જોતું, કારણ કે તે હંમેશાં વિકસતું રહે છે, નદીની જેમ તે હંમેશાં ગતિશીલ હોય છે. આવું મન પોતાની પ્રવૃત્તિથી સંપૂર્ણપણે અજાણ હોય છે. એ અર્થમાં કે એવા મનમાં `હું’ના કાયમી અસ્તિત્વનો કોઈ ભાવ નથી હોતો, તે એવું મન નથી, કે જે કોઈ હેતુ પ્રાપ્ત કરવા માગતું હોય.
જ્ઞાન એ અવધાન નથી
અવધાન એ મનની એવી અવસ્થા છે કે જે કોઈ પણ વસ્તુનું તેની નિંદા વગર કે તેનો સ્વીકાર કર્યા વગર નિરીક્ષણ કરે છે, તે વસ્તુને તે જેવી છે તેવી જુએ છે. જ્યારે તમે કોઈ ફૂલને વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ જોતા નથી ત્યારે તમે ફૂલની સમગ્રતાને જુઓ છો, પરંતુ ફૂલ શું છે એ વિશેના તમામ વનસ્પતિશાસ્ત્રીય જ્ઞાનથી તમારું મન ભરેલું હોય છે ત્યારે તમે ફૂલ પ્રત્યે સમગ્રતાથી જોતા નથી. ભલે તમને કદાચ ફૂલ વિશે જ્ઞાન હોય, જો તે જ્ઞાને તમારા મનનો પૂરેપૂરો કબજો લઈ લીધો હોય, ત્યારે તમે ફૂલ તરફ સમગ્રપણે જોતા નથી હોતા. તેથી, હકીકતને જોવી એ તેનાથી સભાન થવું છે. તે સભાનતામાં પસંદગી, તિરસ્કાર, ગમો કે અણગમો નથી હોતો, પરંતુ આપણામાંના મોટાભાગના લોકો આમ કરવા સમર્થ નથી હોતા, કારણ કે પરંપરાગત, વ્યવસાયિકપણે, દરેક રીતે, કોઈ પૂર્વભૂમિકા વગર હકીકતનો સામનો કરવા માટે આપણે સમર્થ નથી. આપણે આપણી એ પૂર્વભૂમિકાથી સભાન થવું જ જાઈએ. આપણે આપણા સંસ્કારનાં બંધનોથી સભાન થવું જ જોઈએ અને એ બંધનો જ્યારે આપણે કોઈ હકીકતનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે ખુદ-બ-ખુદ, આપોઆપ આપણી સામે આવે છે અને તમારે હકીકતના નિરીક્ષણ સાથે સંબંધ છે અને નહીં કે પૂર્વભૂમિકા સાથે. પૂર્વભૂમિકાને એક બાજુ ધકેલી દેવામાં આવે છે. જ્યારે મુખ્ય બાબત સત્ય સમજવાની જ હોય અને જ્યારે તમે એ જુઓ કે પૃષ્ઠભૂમિ તમને હકીકતને સમજતા અટકાવે છે ત્યારે હકીકતની મહત્ત્વની બાબતને સમજવાનો રસ પૂર્વભૂમિકાને ભૂંસી નાખે છે.