શું તમે એમ વિચારો છો કે શાંતિની ઈચ્છા રાખવા માત્રથી તમે શાંતિ સ્થાપી શકશો? તમે તમારા રોજિંદા જીવનના સંબંધોમાં આક્રમક, કાંઈક મેળવવા મથતા, અત્યારે કે પછી માનસિક સલામતી મેળવવા મથતા રહો છો ત્યારે શું તમે માત્ર શાંતિની ઈચ્છા રાખવાથી શાંતિ પામી શકશો?
તમારે સંઘર્ષ અને દુ:ખનું મુખ્ય કારણ સમજવું જ પડશે અને ત્યારબાદ તેનો અંત કેવી રીતે આવી શકે તે પણ સમજવું પડશે. શાંતિ સ્થાપવા માટે માત્ર બહારની બાજુએ જ જોવું પૂરતું નથી, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે આપણામાંના મોટાભાગના લોકો આળસુ છે. આપણે એટલા બધા આળસુ છીએ કે ખુદ વિષે સમજવા માટે પણ જાગૃત થવાની કાળજી નથી રાખતા. આળસુ હોવાથી એમ વિચારે કે આપણા માટે બીજા લોકો આ સમસ્યા ઉકેલશે અને આપણને શાંતિ મળશે એ વાસ્તવમાં મિથ્યાભિમાન છે.
એમ વિચારવું કે યુદ્ધ કરવા માટે જે લોકો કારણભૂત હોય તેમને આપણે મારી નાખવા જોઈએ એ પણ એટલો જ ખોટો ખ્યાલ છે. જે વ્યક્તિ ખુદ ભીતરથી સંઘર્ષરત હોય તે બહાર પણ અનિવાર્યપણે સંઘર્ષ સર્જે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર શાંતિ સ્થાપીને જ વિશ્વમાં શાંતિ સ્થાપી શકે, કારણ કે તે પોતે જ વિશ્વ છે.
એ સમજો કે તમે હિંસક છો
પ્રાણી હિંસક છે. એ પ્રાણીમાંથી માનવી વિકસ્યો છે, તે પણ હિંસક છે, જે હજારો યુદ્ધોમાં દેખાય છે. હિંસક હોવું, ગુસ્સે થવું, ઈર્ષ્યા કરવી, અદેખાઈ કરવી, સત્તા મેળવવી, હોદ્દો ધરાવવો, પ્રતિષ્ઠા ધરાવવી, આધિપત્ય ભોગવવું, આક્રમક થવું એવું બધું માનવીના અસ્તિત્વનો ભાગ છે. તેણે એક આદર્શ શોધી કાઢ્યો છે જેને તે અહિંસા કહે છે અને જ્યારે આ દેશ અને બાજુના દેશ વચ્ચે યુદ્ધના સ્વરૂપે ખરેખર હિંસા થાય છે ત્યારે સહુ તેમાં જોડાઈ જાય છે. તેઓ હિંસાને પ્રેમ કરે છે. હવે જ્યારે તમે વાસ્તવમાં હિંસક હો અને તમારી પાસે અહિંસાનો આદર્શ હોય, ત્યારે તમારામાં સંઘર્ષ ઉદ્ભવે છે. તમે હંમેશાં અહિંસક બનવાનો પ્રયત્ન કરતા રહો છો કે જે આ સંઘર્ષનો જ ભાગ છે. તમે હિંસક ન બનવા માટે તમારી જાતને શિસ્તબદ્ધ કરો છો- ફરી, આ પણ એક સંઘર્ષ છે. આમ, જ્યારે તમે હિંસક છો અને તમારી સામે અહિંસાનો આદર્શ હોય ત્યારે તમે જરૂર હિંસક રહો છો. તમે હિંસક છો એ સમજવા માટે તમારે સહુ પ્રથમ `અહિંસક’ બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. હિંસાને તેના મૂળ સ્વરૂપમાં જોવા માટે તેને બદલવાનો પ્રયત્ન ન કરો, તેને શિસ્તબદ્ધ ન કરો, તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરો, તેનું દમન ન કરો, પરંતુ જાણે તમે તેને પહેલી જ વાર જોતાં હો તેમ જુઓ એટલે કે તેને કોઈ વિચાર વગરની અવસ્થામાં જુઓ. મેં પહેલાં જ વિગતવાર સમજાવ્યું છે કે વૃક્ષને નિર્દોષતાથી જોવું એટલે શું? એટલે કે મનમાં તેની કોઈ છાપ વગર તેને જોવું. જોવાનો આપણે શો અર્થ કરીએ છીએ? એ જ રીતે તમારે હિંસા પ્રત્યે કોઈ છાપ વગર એ શબ્દમાં સમાવિષ્ટ જે કાંઈ હોય, તેના વગર જોવાનું છે. મનમાં તેને વિષે કોઈ વિચાર હોય જ નહીં એ રીતે જોવા માટે તમે જાણે કે હિંસાને પહેલી જ વાર જોતાં હો તે રીતે જોવાની છે અને તેથી તેને નિર્દોષ દૃષ્ટિ સાથે જોવાનું શક્ય બને છે.


