રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી
અગ્ર ગુજરાત, રાજુલા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના છતડીયા ગામ પાસે એક ડિઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાને કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા. આ બનાવને પગલે રાજુલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લોકોની સલામતીને ધ્યાને રાખીને સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો રોડ બંધ કરાવી દીધો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગ કાબૂમાં આવ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી હતી અને પોલીસે ફરીથી હાઈવે પરનો વાહનવ્યવહાર કાર્યરત કરાવ્યો હતો. પરંતુ આ ધટનામાં જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


