પેઢાલપુરના વિજયરાજા અને શ્રીમતી નામની રાણીનો એકનો એક દીકરો હતો. ઉંમર તો નાની જ હતી. હશે સાત-આઠ વર્ષનો બાળક. નાની ઉંમર રમતગમતની જ ગણાય. રાજમહેલના પટાંગણમાં બધા મિત્રો રમી રહ્યા હતા. આનંદપ્રમોદની ચિચિયારી પાડી રહ્યા હતા.
ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ ગણધર. ભગવાન મહાવીર સ્વામીજીની સાથે વિચરતા વિચરતા એ જ નગરમાં પધારેલા. મધ્યાહ્નનો સમય થયો. ભિક્ષાચારીનો પણ સમય હોય. જોકે, અત્યારે તો આપણા આ જૂના સંસ્કારો લુપ્ત થવા આવેલા છે, પણ આજથી માત્ર પચાસ-સાઠ સાલ પહેલાં આપણા બાપદાદાઓ જ્યારે પણ જમવા માટે બેસતા ત્યારે કોળિયો મોઢામાં મૂકતા પહેલાં અચૂક પૂછતા આપણા ઘેર આજે કોઈ અતિથિ આવેલા? કોઈ સાધુ-સંતના પાત્રમાં આપણું અનાજ ગયેલું? આનો જવાબ જો `ના’માં મળે તો એમના મુખમાંથી ઉદ્ગાર સરી પડતો, કે `આજનો દિવસ નકામો ગયો.’ આપણા ઘેર અતિથિ આવે એ સૌભાગ્યનો વિષય ગણાતો. ગણધર ગૌતમ સ્વામીજી ગૌચરી લેવા માટે ગામમાં પધાર્યા છે.
ફરતા ફરતા રાજમહેલની આસપાસથી પસાર થઈ રહ્યા છે. પાંચસો શિષ્યોના ગુરુ છે. ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય છે. ધીર ગંભીર ચાલે ચાલી રહ્યા છે. એમને પાંચસો સાધુ મહાત્માઓને ભિક્ષા લાવીને વપરાવવાની (ખવરાવવાની) હોય એટલે ફરવું પણ વધારે પડે. વધારે ઘરોમાં જવું પડે.
ગૌતમ સ્વામીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા કે જ્યાં પેલાં બાળકો રમી રહ્યાં હતાં. રાજકુમારે ગૌતમ સ્વામીજીને દૂરથી જોયા. એ દોડીને એમની પાસે પહોંચી ગયો. ભાવથી એમને વંદન કર્યાં. પછી વિનંતી કરી, ભગવાન, મારા ઘેર ગૌચરી લેવા પધારો. આટલો નાનો દીકરો- મીઠડો એના ઘેર લઈ જવા વિનંતી કરતો હોય તો `ના’ પાડવાનું કોઈ કારણ ન હતું. એમણે સંમતિ આપી. પેલો અઈમુત્તો અને ગૌતમ સ્વામીજી બેય જણા રાજમહેલના દરવાજા તરફ આગળ વધ્યા. ભોજનગૃહ તરફ વળ્યા. ભોજનગૃહમાં એનાં માતૃશ્રી શ્રીમતી હાજર જ હતાં. પેલા અઈમુત્તાએ માને કહ્યું, જો જો મા, આપણા ઘેર કેવા સરસ અતિથિ આવ્યા છે. એમને સરસ રસવતી અર્પણ કરો. માએ ગૌતમ સ્વામીજીને જોયા અને અહોભાવથી એનું મસ્તક ઝૂકી ગયું.
એ તો ભાવવિભોર બની ગઈ. એણે પોતાના દીકરાને જ કહ્યું, `આજે તો તું જ આહાર અર્પણ કરવાનો લાભ લે.’
પેલો અઈમુત્તો આનંદિત થઈ ગયો. શ્રીમતીએ સરસ મજાના લાડુ બનાવડાવેલા હતા. ઘી-ખાંડથી ભરેલા – મઘમઘતા લાડુનો થાળ લાવીને માએ એને આપ્યો. લે બેટા, બધા એમને અર્પણ કર. આવો લાભ આપણને ફરી ક્યારે મળશે? અને પેલો અઈમુત્તો એને પણ ભાવ જાગ્યો. બધા લાડુ મહાત્માને અર્પણ કરવા છે. માએ કહ્યું છે આવો લાભ આપણને ક્યારે મળશે?
બેય હાથે એ તો થાળમાંથી લઈને લાડુ એમના પાત્રમાં ભરી રહ્યો છે. ગૌતમ સ્વામીજી ના પાડે છે. `બસ હવે બસ કરો’ પણ માને એ બીજા. લાડુથી પાત્ર ભરાઈ ગયું ત્યારે એને સંતોષ થયો. પ્રસન્નતાથી એ હાથ જોડીને નમ્ર બનીને ઊભો રહ્યો. ગૌતમ સ્વામીજીએ પાત્રને ઝોળીમાં મૂક્યું અને આગળ ચાલવા લાગ્યા. અઈમુત્તાએ માને કહ્યું, મા, મહાત્માને મૂકીને આવું છું.
એ તો ચાલ્યો મહાત્માની સાથે. ગૌતમ સ્વામી તો જ્ઞાનના ભંડાર હતા. પેલા અઈમુત્તાએ એના મનમાં આવતા પ્રશ્નો મહાત્માની સામે મૂકવા માંડ્યા. ગૌતમ સ્વામીજી એના સમાધાન એની જ ભાષામાં આપવા લાગ્યા, પણ હવે એને ગૌતમ સ્વામીજી માટે વિશિષ્ટ ભાવ જાગ્યો. એને વિચાર આવ્યો કે આ મહાત્મા હશે 60-65 વર્ષની વયના અને આટલું બધું `વજન’ ઉપાડીને ચાલે તો મારે એમને મદદ ના કરવી જોઈએ?
એણે તો ગૌતમ સ્વામીજીને કહ્યું, ભગવન્, આટલું બધું વજન ઉપાડીને આપ ચાલો એના કરતાં મને આ વજન આપી દો, હું આપની સાથે આવું જ છું. આપના સ્થાનમાં જઈને આપને હું આપી દઈશ. આપની સેવાનો મને લાભ આપો. ગૌતમ સ્વામીજી વિચાર કરે છે કેવો મીઠડો છે આ છોકરો. એમણે કહ્યું, બેટા, આ વજન તારે જો ઉપાડવું હોયને તો અમારા જેવું બનવું પડે. પછી જ અમે આ વજન તને આપી શકીએ. એ સિવાય અમે તને ના આપી શકીએ.
હું તમારા જેવો બનીશ, હવે આપો. એમણે કહ્યું, એમ પહેલાં બનવું પડે પછી જ અપાય.
બસ હવે એના મનમાં આવું વિચારબીજ રોપાયું. મારે સાધુ બનવું છે. મારે તો આવા જ ગૌતમ સ્વામીજી જેવા સાધુ બનવું છે. એણે ગૌતમ સ્વામીને વાત કરી મને તમારા જેનો બનાવો.
ગૌતમ સ્વામી કહે છે, અમારા જેવા બનવું હોય તો તારાં માતા-પિતાની રજા લેવી પડે.
એમાં શું? હમણાં રજા લઈને આવું છું. એ તો દોડતો દોડતો પહોંચ્યો ઘેર જઈને માને કહ્યું, આપણા ઘેર હમણાં ગૌતમ સ્વામી આવેલાને મારે એમના જેવા થવું છે. મા એની વાત સાંભળીને આભી જ બની ગઈ. અરે બેટા! તું આ શું બોલે છે? તું મારો એકનો એક દીકરો છે. તું જતો રહે તો મારું કોણ?
મા, આ સંસારમાં કોણ કોનું હોય છે? થોડા સમયના આપણા આ બધા સંબંધો હોય છે. અહીંથી આપણે છૂટા પડીશું પછી એકબીજાને ઓળખી પણ શકવાના? આવતા ભવના સંબંધનો આ ભવના સંબંધની સાથે કોઈ અર્થ રહેતો નથી. એટલામાં વિજયરાજા આવે છે. મા-દીકરાના સંવાદમાં પિતા પણ ભેગા ભળે છે. અઈમુત્તાની વાત સાંભળ્યા પછી એમણે પૂછ્યું તું દીક્ષામાં શું સમજે છે?
એ કહે છે, `હું જાણું તે નવિજાણું નવિજાણું તે જાણું.’ વિજયરાજા પૂછે છે આ તું શું વાત કરે છે? તારી વાતમાં અમને કોઈ સમજ પડતી નથી. જાણું ન જાણું આ શું છે? હું આપને સાચું કહું છું. મરણ આવવાનું છે એ સાચું છે, પણ ક્યારે આવશે એ હું જાણતો નથી. આપ કહો છો મોટા થયા પછી દીક્ષા લેવી, પણ મારે ક્યારે ઉપર જવાનું આવશે એ ક્યાં ખબર છે? એટલા માટે અત્યારે જ મારે દીક્ષા લેવી છે, આપ અને અનુમતિ આપો.
માતા-પિતા સમજાવવાની કોશિશ કરે છે, પણ રમવાનો ભાવ જાગ્યા વગર રહે નહીં.
મધ્યાહ્નનો સમય થયો હોઈ આ બાલમુનિ બીજા મુનિની સાથે ઉપાશ્રયથી બહાર ગયા છે. આગળના દિવસે વરસાદ આવેલો છે. પાણીનાં ખાબોચિયાંની આસપાસ નાના-મોટા છોકરાઓ ટોળે વળેલા છે. ઝાડ-પાદડાં લઈ લઈને પાણીમાં તરતાં મૂકે છે અને દૂર જતા પોતાના પાંદડાને ટાર્ગેટ કરીને કહી રહ્યા છે, જુઓ મારી નાવ કેવી આગળ વધી રહી છે!
નાના મુનિ અઈમુત્તા આ દૃશ્ય જોઈને અંદરથી ઉત્તેજિત થઈ ગયા. એમને પણ વિચાર આવે છે, આ બધા છોકરાઓ નાવ ચલાવે છે તો હું પણ નાવ ચલાવું. એમની પાસે રહેલું પાત્ર પાણીમાં તરતું મૂકવાનો ભાવ કરે છે. સાથેવાળા મહાત્મા પોતાનું કામ પતાવીને આવે એ પહેલાં એ આવી ગયા અને પાણીમાં પોતાનું નાનકડું પાત્ર મૂકી દીધું. એમણે જાહેર કર્યું, જુઓ મારી નાવ બધાથી આગળ ચાલી રહી છે. અંતરનો ઉમળકો વ્યક્ત કરે છે એટલામાં મોટા મુનિ ત્યાં આવે છે. પ્રસન્નતાથી એ પોતાની નાવ બતાવે છે. મોટા મહાત્માએ નાવ ચલાવતા મહાત્માને ખખડાવી નાખ્યા. અરે મહાત્મા! આપણાથી કાચા પાણીનો આવી રીતે સ્પર્શ થાય? તમને કેટલું બધું પાપ લાગશે?
નાના મુનિ તો બિચારા શરમિંદા બની ગયા. અરર! મેં ખૂબ મોટી ભૂલ કરી નાંખીને હવે હું શું કરું? એમણે તો પોતાના સ્થાનમાં આવીને ભગવાનને સમાચાર આપી દીધા. પ્રભુ, આપ જુઓ તો ખરા આ નાના મુનિએ કેવાં કામો કર્યાં છે? ભગવાને એમના માથા ઉપર હાથ મૂકીને મુનિને પૂછ્યું, ભાગ્યશાળી, શું થયું? અને એમણે નાવ તરાવવાની ઘટના ભગવાન સમક્ષ કરી બતાવી. ભગવાન મહાવીરે એમને સમજાવ્યું, ભાગ્યશાળી, આપણાથી આમ કાચા પાણીનો સ્પર્શ પણ કરાય નહીં, તો આમ નાવ તરાવાય? પાણીના જીવોની કેટલી બધી હિંસા થાય?
બીજા મહાત્માએ બાલમુનિની ફરિયાદ કરી ત્યારે ભગવાને કહ્યું, `તમે એમના વિશે કોઈ પણ વિચાર કરશો નહીં, કારણ કે તમારા કરતાં વહેલા એમનો મોક્ષ થવાનો છે.’
બીજા બધાના મનમાંથી આ ઘટના તો નીકળી ગઈ, પણ અઈમુત્તાના મનમાંથી નીકળથી નથી. એક દિવસની વાત છે. એ દિવસે ધ્યાનમાં બેઠેલા હતા. ધ્યાનમાં પણ એમના ચિંતનની ધારા એ જ દિશામાં ચાલતી હતી. પાણીના જીવોની-માટીના જીવોની મેં દરકાર કરી નહીં, મારાથી કેટલી મોટી આ ભૂલ થઈ ગઈ! આ ભૂલમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ?
આવી ચિંતનધારામાં ઊંડા ઊતરે છે. આ ચિંતનધારાએ એમનાં કર્મોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. એ જ સમયે એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી લાંબા સમય સુધી પૃથ્વી તટ ઉપર વિચરીને ઘણા બધા જીવોને ધર્મનો બોધ આપ્યો. આયુષ્ય પૂરું કરીને મોક્ષમાં ગયા.
આપણે પણ કોઈ કર્મ કરતા પાપનો વિચાર કરીએ અને નવાં કર્મો આવતાં અટકાવીએ અને જૂનાં કર્મોનો નાશ કરીએ તો આત્મકલ્યાણ દૂર નથી.