બેડલા ગામમાં અંધશંકાનો ખૂની ખેલ
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
ગ્રામજનોની ચર્ચાએ ખોલ્યો ભેદ, એરપોર્ટ પોલીસે ખોદકામ કરી બહાર કાઢી લાશ; હત્યારા દંપતીની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની ભાગોળે આવેલા બેડલા ગામમાં બનેલી હત્યાની એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાવી છે. મિત્રતા, શંકા અને સંબંધોના ગૂંચવાડામાં એક યુવાનનો જીવ લેવાયો હોવાનો ભેદ સામે આવતા લોકો પણ સ્તબ્ધ બની ગયા છે. પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ એક શખ્સે પોતાના જ સાથે રહેતા મિત્રની ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતાની પત્નીની મદદથી લાશને કોથળામાં ભરી ગામના સ્મશાનમાં દાટી દીધી હતી. જોકે ગામમાં ચાલતી ચર્ચાઓ અને ગ્રામજનો પાસેથી મળેલી બાતમીના આધારે એરપોર્ટ પોલીસ આખરે આ અંધકારમય હત્યાકાંડનો ભેદ ઉકેલી શકી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે.પી. તરેટીયાને ગ્રામજનો મારફત એવી માહિતી મળી હતી કે બેડલા ગામમાં એક યુવાનની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી છે અને તેની લાશ ગુપ્ત રીતે દાટી દેવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી. પોલીસ ટીમ ગામમાં આવેલા સ્મશાન સુધી પહોંચી હતી અને સમગ્ર મામલાની ગંભીરતાને જોતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
સ્મશાન વિસ્તારમાં તપાસ દરમિયાન પોલીસે તાજા ખોદકામના નિશાન જોયા હતા. શરૂઆતમાં ગામના વાલ્મિકી સમાજના આગેવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તાજેતરમાં તેમના સમાજમાં કોઈનું અવસાન થયું નથી અને કોઈ અંતિમવિધિ પણ કરવામાં આવી નથી. આ વાતથી પોલીસને વધુ શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્થળ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. લાઇટિંગની વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલા ખોદકામ દરમિયાન જમીનની અંદરથી એક કોથળામાં ભરેલી યુવાનની લાશ મળી આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
મૃતકની ઓળખ મૂળ અમરેલી જિલ્લાના ઢસા તાલુકાના દેરડી ગામના સંજય હકાભાઈ વાઘેલા તરીકે થઈ હતી. ઉંમર આશરે 25 વર્ષના સંજયની હાલત જોઈ પ્રાથમિક તબક્કે જ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સ્પષ્ટ બની ગઈ હતી. ઘટનાસ્થળ પર જ ફોરેન્સિક નિષ્ણાત તબીબોની મદદથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક સંજય છેલ્લા લગભગ છ વર્ષથી બેડલા ગામે રહેતા જગદીશ કાળુ કબીરા સાથે રહેતો હતો. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી અને બંને માલઢોર ચરાવવાનું તેમજ ઢોલ વગાડવાનું કામ કરતા હતા. સંજય અપરિણીત હતો અને તેના માતા-પિતા પણ હયાત નહોતા. તે આરોપી જગદીશ અને તેની પત્ની હીના સાથે જ રહેતો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જગદીશને લાંબા સમયથી શંકા હતી કે સંજય અને તેની પત્ની વચ્ચે આડા સંબંધ છે. આ બાબતે બંને મિત્રો વચ્ચે અનેકવાર ઝઘડા પણ થયા હતા. જોકે ગત તા. 6ના રોજ આ શંકાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દિવસે ફરી એકવાર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સે ભરાયેલા જગદીશે સંજય પર ધોકાથી હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સંજયનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી ગભરાઈ ગયો હતો. ત્યારબાદ પોતાની પત્ની હીનાની મદદથી તેણે મૃતદેહને કોથળામાં બાંધી દીધો હતો. પોલીસ તપાસ મુજબ બંને પતિ-પત્નીએ રાત્રિના સમયે લાશને ગામના સ્મશાન સુધી લઈ જવાની યોજના બનાવી હતી. જગદીશ બાઈક પર કોથળો લઈ ગયો હતો જ્યારે તેની પત્ની પાછળ બેઠી હતી. સ્મશાનમાં પહોંચી બંનેએ મળીને ખાડો ખોદી લાશ દાટી દીધી હતી, જેથી કોઈને ઘટનાની જાણ ન થાય. પરંતુ ગામમાં અચાનક સંજય ગુમ થઈ જતાં અને કેટલીક શંકાસ્પદ હલચલને કારણે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. આખરે આ ચર્ચાઓ જ પોલીસ માટે મહત્વની કડી બની હતી. એરપોર્ટ પોલીસે શંકાના આધારે જગદીશને ઉઠાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તે ગોળગોળ જવાબ આપતો રહ્યો હતો, પરંતુ કડક પૂછપરછ દરમિયાન આખરે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. સાથે જ પત્ની હીનાએ પણ લાશ છુપાવવામાં મદદ કરી હોવાનું સામે આવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક સંજયના કોઈ નજીકના વાલીવારસ હાજર ન હોવાથી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ. જાડેજાએ સરકાર તરફથી ફરિયાદી બની આરોપી દંપતી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બંનેની સત્તાવાર ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ બેડલા ગામ સહિત રાજકોટમાં ભારે ચકચાર મચાવી છે. મિત્રતા અને વિશ્વાસના સંબંધ વચ્ચે ઉદ્ભવેલી શંકાએ આખરે એક યુવાનનો જીવ લઈ લીધો હતો. ગામના લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ પોલીસ માટે પણ ગ્રામજનોની સતર્કતા અને ચર્ચાઓ આ ગુનાનો ભેદ ઉકેલવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.


