બાર્સિલોનાનો વર્તમાન સીઝનમાં પોતાના ઘરઆંગણે પહેલીવાર પરાજય થયો છે. સ્પેનીશ લીગની આ ટોચની ટીમને લાસ પાલ્માસે શનિવારે 2-1થી પરાજય આપીને સનસનાટી ફોલાવી દીધી હતી. બાર્સિલોનાની ટીમ પોતાના નવા કોચ હાન્સી ફ્લિકના માર્ગદર્શન હેઠળ પ્રથમ ત્રણ મહિના દરમિયાન સારું પ્રદર્શન કરીને સારો દેખાવ કરતી રહી હતી અને ઘરેલું સ્પર્ધાઓમાં રિયલ મેડ્રિડને કચડીને તેમજ ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યુનિચને પરાજય આપીને તે પ્રદર્શનના ટોચ પર પહોંચ્યું હતું. તેણે ઘર આંગણે તમામ આઠ મેચોમાં જીત મેળવી હતી.
પરંતુ હવે ટીમનું પ્રદર્શન કથળ્યું છે. લા લીગાના ત્રણ રાઉન્ડમાં ટીમ એક જીત માટે વલખા મારી રહી છે. લાસ પાલ્માસ સામેના પરાજય પહેલા બાર્સિલોનાનો રિયાલ સોસિદાદ સામે 1-0 થી પરાજય થયો હતો જ્યારે સેલ્ટા વિગો સામે તેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી. રિયાલ મેડ્રિડ જેનું પ્રદર્શન ચેમ્પિયન્સ લીગમાં સારું રહ્યું નહોતું તે હવે સ્પેનિશ લીગમાં બાર્સિલોના કરતા આગળ નીકળી ગઇ છે. તે બાર્સિલોનાથી ચાર પોઇન્ટ આગળ છે અને તેણે હજુ બે મેચ રમવાની છે.


