ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેડ ટેસ્ટમાં એક અદ્ભુત ડ્રામા જોવા મળ્યો જ્યારે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને નો-બોલ આપવામાં આવતા વિરાટ કોહલીએ મેદાનમાં આવીને ડ્રેસિંગ રૂમમાં પાછા જવું પડ્યું. અહીં કાંગારૂ ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડના બોલ પર રાહુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો, પરંતુ નો બોલને કારણે તેને જીવ મળ્યો હતો. અમ્પાયરે રાહુલને આઉટ આપ્યા બાદ વિરાટ ક્રિઝ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ રાહુલ અંગેના નિર્ણય બાદ અમ્પાયરે તેને બાઉન્ડ્રી પાસે રોકી દીધો હતો.
લાઈવ મેચમાં થયો ડ્રામા
જ્યારે ટીવી રિપ્લેમાં સ્નિકોમીટર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બોલ રાહુલના બેટને અડ્યો ન હતો. આ સમયે રાહુલને લાગ્યું હશે કે બોલ તેના બેટ સાથે અથડાયો છે. જો અહીં નો-બોલ ન હોત તો રાહુલ કોઈપણ કારણ વગર આઉટ થઈ ગયો હોત. આ પછી વિરાટ ડગઆઉટ તરફ પાછો ગયો અને અહીં રાહુલે ફરી ચાર્જ સંભાળ્યો. જોકે, રાહુલ જીવનની આ ભેટનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને 64 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
ભારતીય ટીમ 180 રનમાં ઓલ આઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 180 રન પર જ સમેટાઈ ગયો હતો. નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 37 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 15મો 5 વિકેટ હૌલ હતો.
રાહુલે પર્થમાં 77 રનની ઇનિંગ રમી હતી
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં રાહુલે કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ રમતા બંને દાવમાં બેટ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે પ્રથમ દાવમાં 26 રન અને બીજી ઈનિંગમાં 77 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. બીજા દાવમાં યશસ્વી જયસ્વાલ સાથે તેની 201 રનની ભાગીદારીએ ટીમની જીતનો પાયો નાખ્યો, જેના આધારે ભારતે કાંગારૂ ટીમને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ વિશાળ ટાર્ગેટ સામે કાંગારૂ ટીમ માત્ર 238 રન પર જ સિમિત રહી હતી અને 295 રનથી મેચ હારી ગઈ હતી. રાહુલ-યશશ્વીની આ ભાગીદારીની અસર એ હતી કે કેપ્ટન રોહિતે એડિલેડમાં આ જોડીને ડિસ્ટર્બ કરી ન હતી અને બેટિંગ માટે છઠ્ઠા નંબર પર પોતાની જાતને જાળવી રાખી હતી.
ભારતે ટીમમાં કર્યા ત્રણ ફેરફાર
આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે અને કેપ્ટન સિવાય ટીમમાં શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. આ ત્રણેય ખેલાડીઓએ દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદરનું સ્થાન લીધું.


