પ્રારંભિક મિનિટોમાં એક સમયે બે ગોલથી પાછળ રહ્યા બાદ ચેલ્સીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચમાં ટોટનહામ હોટ્સપુરને 4-3થી પરાજય આપ્યો હતો. ચેલ્સીના વિજયમાં કોલ પામરના બે ગોલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. ટોટનહામ ટીમ માટે ડોમિનિક સોલાન્કેએ પાંચમી તથા ડિજાન કુલુસેવસ્કીએ 11મી મિનિટે એક-એક ગોલ નોંધાવ્યો હતો.
ત્યારબાદ મેચ પછીના એક્સ્ટ્રા ટાઇમમાં 96મી મિનિટે સોન હિયુંગ મિને ગોલ નોંધાવીને પરાજયનું અંતર ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લી સાત મેચમાં સતત અજેય રહેલી ચેલ્સી ક્લબ માટે જેડોન સાન્ચોએ 17મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. કોલ પામરે 61મી મિનિટે તથા 84મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફોરવીને ચેલ્સી માટે સ્કોર 3-2નો કર્યો હતો. ઇન્ઝો ફર્નાન્ડેઝે 73મી મિનિટે ગોલ કરીને સ્કોર લાઇન 4-2ની કરી હતી. ટોટનહામ છેલ્લી સાત મેચમાં માત્ર એક જ મેચ જીતી શકી છે અને તે પોઇન્ટ ટેબલમાં 11મા ક્રમાંકે છે. લિવર પૂલ ક્લબ 14 મેચમાં 11 વિજય સાથે 35 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાને છે. ચેલ્સી 31 પોઇન્ટ સાથે બીજા તથા આર્સનલ 29 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. લીગની અન્ય મેચમાં ફુલહામ અને આર્સનલની મેચ 1-1થી ડ્રો રહી હતી. નોટિંગહામ ફોરેસ્ટે માન્ચેસ્ટર યુનાઇટેડને 3-2થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. બોર્નમાઉથે ઇપ્સવિસ ટાઉન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. લેસ્ટર સિટી અને બ્રાઇટનની મેચ 2-2થી ડ્રો રહી હતી.


