ઇંગ્લેન્ડ સામે હેમિલ્ટનમાં રમાતી ત્રીજી ટેસ્ટ ન્યૂઝીલેન્ડના પેસ બોલર ટિમ સાઉથીની ફેરવેલ મેચ છે. સાઉથી બેટિંગ માટે મેદાનમાં ઊતર્યો ત્યારે ઇંગ્લેન્ડની ટીમે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
ઇંગ્લિશ સુકાની બેન સ્ટોક્સે તેની સાથે હેન્ડ શેક કર્યા હતા. ફેરવેલ ટેસ્ટમાં સાઉથીનું પરિવાર મેદાનમાં હાજર રહ્યું હતું અને તે પોતાની પુત્રીને સાથે લઈને ફરતો હતો. મેચ પહેલાં રાષ્ટ્રગીત વખતે સાઉથીએ ન્યૂઝીલેન્ડની ટીમનું લિડિંગ કર્યું હતું અને સમર્થકોએ પણ ઊભા થઈને તેનું અભિવાદન કર્યું હતું.સાઉથીએ 10 બોલની ઇનિંગમાં 23 રન બનાવ્યા હતા અને દરમિયાન તેણે એક બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર પણ ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક સિક્સરના મામલે સાઉથ આફ્રિકાના જેક્સ કાલિસને પાછળ રાખી દીધો હતો અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના રેકોર્ડને સરભર કર્યો હતો. સાઉથી ટેસ્ટ કારકિર્દીમાં 98 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ગેલના નામે પણ 98 સિક્સર નોધાયેલી છે. વર્તમાન ટેસ્ટમાં સાઉથીને બેટિંગ કરવાની ફરીથી તક મળશે તો તે ટેસ્ટમાં 100 સિક્સરની સિદ્ધિ પણ મેળવી શકે છે. બેન સ્ટોક્સે 133 સિક્સર સાથે મોખરાના સ્થાને છે.


