ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ શરૂ થશે. બંને ટીમો કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગે છે. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ હતી, જે વરસાદને કારણે ડ્રો થઈ હતી. બંને ટીમ ચોથી મેચ માટે મેલબોર્ન પહોંચી ગઈ છે, જ્યાં ખેલાડીઓ જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગઈકાલે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મેલબોર્નમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા આજે મેલબોર્નમાં પ્રેક્ટિસ કરવા જઈ રહી નથી. જેનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે.
ભારત પ્રેક્ટિસ કેમ નહીં કરે?
અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા સોમવારે મેલબોર્નમાં પ્રેક્ટિસ નહીં કરે. છેલ્લા બે દિવસમાં નેટ સેશનમાં સખત તાલીમ અને પરસેવો પાડ્યા બાદ રોહિત શર્મા એન્ડ કંપનીને એક દિવસનો આરામ મળશે. બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ ડ્રો કર્યા બાદ ભારતીય ખેલાડીઓએ મેલબોર્ન પહોંચતા જ ચોથી ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ માટે મેલબોર્ન પહોંચ્યા બાદ તેનું પ્રથમ નેટ સેશન કરશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની અને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીતવાની આશા જીવંત રાખવા માટે ભારત માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.
નેટ સેશનમાં ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત
છેલ્લા ઘણા દિવસોથી ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં નેટ્સ પર જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. કે એલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ગઈકાલે રોહિત ઘૂંટણ પર આઈસ પેક લગાવીને બેઠો હોય તેમ જોવા મળ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધવા લાગ્યું છે. જો કે રાહુલ અને રોહિતની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.


