ભારતીય મહિલા ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 314 રન બનાવ્યા હતા. ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ યોગદાન આપ્યું હતું. જેણે આ મેચમાં 91 રનની ઈનિંગ રમી હતી.
તેની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. તેને પ્રતિકા રાવત સાથે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય તેણે હરલીન દેઓલ સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ભલે તે આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ન હતી પરંતુ તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સ્મૃતિ મંધાનાએ બનાવ્યો આ રેકોર્ડ
ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ સીરિઝમાં તેણે પહેલી વનડે મેચમાં જ મોટો રેકોર્ડ બનાવી લીધો છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય મેચમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગઈ છે. તેણે આ વર્ષે 1602 રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાની સ્ટાર બેટ્સમેન લૌરા વોલ્વાર્ડના નામે હતો. તેણે આ વર્ષે જ આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વર્ષ 2024માં કુલ 1593 રન બનાવ્યા છે.
મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડ
| સ્મૃતિ મંધાના | 1602 રન (વર્ષ 2024) |
| લૌરા વોલ્વાર્ડ | 1593 રન (વર્ષ 2024) |
| નેટ સેવિયર બ્રન્ટ | 1346 રન (2022) |
| સ્મૃતિ મંધાના | 1291 રન (વર્ષ 2018) |
| સ્મૃતિ મંધાના | 1290 રન (વર્ષ 2022) |
શાનદાર ફોર્મમાં છે સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાના આ સમયે સતત રન બનાવી રહી છે. તેણે તેની છેલ્લી 5 મેચમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં 105 રનની ઈનિંગ રમી હતી. આ પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટી20 સીરીઝની પ્રથમ મેચમાં 54 રન, બીજી ટી20માં 62 રન અને ત્રીજી ટી20માં 77 રન બનાવ્યા હતા. હવે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વનડે મેચમાં 91 રનનો શાનદાર સ્કોર નોંધાવ્યો છે. તેનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત છે.


