ગુજરાતમાં ફૂટબોલની રમતનું સ્તર સતત છેલ્લા કેટલા વર્ષથી વધી રહ્યું છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, પ્રાઇવેટ ક્લબ તથા જિલ્લા એસોસિયેશનના સામૂહિક પ્રયાસના કારણે ગુજરાતમાં ફૂટબોલની રમતના વિકાસ તથા યૂથ ટેલેન્ટનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે.
ગ્રાસ રુટ લેવલથી ફૂટબોલના વિકાસનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ ફેડરેશનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. તાજેતરમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બ્લૂ કબ્સ ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં સાત જિલ્લા એસોસિયેશન સહિત કુલ 23 ટીમોએ ભાગ લીધો હતો. 20 23-24માં જીએસએફએ દ્વારા યોજાયેલી રાજ્ય બ્લૂ કબ્સ લીગમાં 23 જિલ્લા એસોસિયેશનની 388 ટીમોએ ઓવરઓલ ભાગ લીધો છે. આ લીગ અંડર-8, 10 તથા 12 વર્ષની વય ગ્રૂપમાં રમાય છે. 33 વિવિધ વેન્યૂમાં આ મેચો રમાઇ હતી અને 4200 યુવા ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો.ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ નોંધણીમાં (સીઆરએસ) હેઠળ ગુજરાતના દસ હજારથી વધારે ખેલાડીઓ રજિસ્ટર્ડ થયા છે અને તેમાંથી પાંચ હજાર કરતાં વધારે ખેલાડીઓ સક્રીય છે. 2023-24ની સિઝનમાં 4290 થી વધારે ખેલાડીઓ 553 પ્લસ મેચો રમ્યા છે અને કુલ 3255 ગોલ નોંધાયા હતા. ગુજરાત હવે ફૂટબોલનું હબ બને તેવી પૂરી સંભાવના છે.


