વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો રવિવારથી પ્રારંભ થશે ત્યારે સર્બિયાનો નોવાક જોકોવિચ ઓવરઓલ વિક્રમી 25મું મેજર ટાઇટલ જીતવાના ટાર્ગેટ સાથે ટેનિસ કોર્ટ ઉપર ઉતરશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન તથા ડોપિંગના વિવાદમાં સપડાયેલા જાનિક સિનર અને આર્યના સબાલેન્કોને મેન્સ તથા વિમેન્સ સિંગલ્સમાં ટોચનો ક્રમાંક આપવામાં આવ્યો છે. વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સિનર ચિલીના નિકોલસ જેરી સામે પ્રથમ રાઉન્ડમાં રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. તે એટીપી ટૂર ટેનિસમાં ટોચના ખેલાડી તરીકે પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવાનો પ્રયાસ કરશે. કારકિર્દીમાં 24 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા જોકોવિચે ગ્રાન્ડસ્લેસના ગણતરીના કલાકો પહેલાં તેને ખાવામાં ઝેરી તત્ત્વો આપવામાં આવ્યા હતા જેવો ઘટસ્ફોટ કરીને વિવાદ સર્જ્યો હતો. જોકોવિચ ભારતીય મૂળના અમેરિકન વાઇલ્ડ કાર્ડ ધરાવતા નિશેષ સામે રમશે. 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં સંભવિત કાર્લોસ અલ્કારાઝ સામે ટકરાઈ શકે છે.
સ્પેનનો યુવા ખેલાડી અલ્કારાઝ કારકિર્દીનો ગ્રાન્ડસ્લેમ પૂરો કરવાનો ટાર્ગેટ રાખશે. કઝાકિસ્તાનના એલેકઝાન્ડર શેવચેન્કો સામે તે પ્રથમ રાઉન્ડમાં ટકરાશે. બીજો ક્રમાંકિત એલેકઝાન્ડર ઝેવરેવે ફ્રાન્સના વાઇલ્ડ કાર્ડ ધરાવતા લુકાસ પાઇલ સામે રમશે. 2024ના યુએસ ઓપનમાં રનર્સ-અપ રહેલા ચોથા ક્રમાંકિત ટેલિર ફિત્ઝનો અમેરિકાના સાથી ખેલાડી જેનસન બ્રૂક્સબી, પાંચમા ક્રમાંકિત તથા ત્રણ વખત મેલબોર્ન પાર્કમાં ચેમ્પિયન બની ચૂકેલા ડેનિલ મેડવેડિવનો થાઇલેન્ડના વાઇલ્ડ કાર્ડ હોલ્ડર કાસિડિત સમારેઝ સામે ટકરાશે. મેડવેડેવ અને ફિત્ઝ એક જ ગ્રૂપમાં હોવાના કારણે બંને ક્વાર્ટર ફાઇનલમાં આમનેસામને થાય તેવી પૂરી સંભાવના છે.
વિમેન્સ સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત અમેરિકાની કોકો ગોફનો સામનો તેના જ દેશની અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સોફિયા કેનિન સામે થશે જે પ્રથમ રાઉન્ડનો સૌથી મોટો ધમાકેદાર મુકાબલો બની શકે છે. ગોફે 2023માં યુએસ ઓપનના સ્વરૂપે પોતાની પ્રથમ મેજર ટ્રોફી જીતી હતી. તે સબાલેન્કો સામે સેમિફાઇનલમાં ટકરાય તેવી સંભાવના છે. પાંચમી ક્રમાંકિત ઝેંગ કિનવેન ક્વોલિફાયર સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે. બીજી ક્રમાંકિત ઇગા સ્વિયાતેક ચેક રિપબ્લિકની અનુભવી ખેલાડી કેટરિના સિનિયાકોવા સામે ટકરાશે અને તેનો સેમિફાઇનલમાં સંભવિત ચોથી ક્રમાંકિત જાસ્મીન પાઓલિની સામે મુકાબલો થઈ શકે છે.


