રેગીંગની ઘટના વચ્ચે ચોંકાવનારી વિગત
રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ
રેગીંગ રોકવા માટે બનાવેલી ગાઈડલાઈનનું પાલન અઘ્ધરતાલ: છાત્રોના ભવિષ્ય સામે સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં સુરતની રેગિંગની ઘટના બાદ વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલે હાલમાં ભારે વિવાદ થયો છે. રાજ્યની 3 સરકારી અને 12 મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજમાં હાલમાં કાયમી ડીન જ નથી, જેના કારણે ઇન્ચાર્જ ડીનથી કામગીરી ચલાવવી પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા જ 2024માં જાહેર કરાયેલી ગાઇડલાઇનનું પાલન જ થતું હોવાની વિગતો પણ બહાર આવી છે.
રાજ્યની મેડિકલ કોલેજોમાં સતત રેગિંગની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલા બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બહાર આવી હતી. આ જ રીતે પાટણ અને ભાવનગરમાં પણ રેગિંગની ઘટનાઓ બહાર આવી હતી. સૂત્રો કહે છે કે સરકાર દ્વારા રેગિંગ જેવી ઘટનાઓ રોકવા માટે વર્ષ 2024માં ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિમાં આ ગાઇડલાઇનનું પાલન જ થતું નથી. સૂત્રો કહે છે કે, ત્રણ સરકારી કોલેજમાં કાયમી ડીન જ નથી. આજ રીતે મેડિકલ સોસાયટી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં પણ કાયમી ડીન નથી. પી.જી. ડાયરેક્ટર પણ ઇન્ચાર્જ છે. સુરતની ઘટના બાદ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પણ વિદ્યાર્થિની આત્મહત્યાને લઇને રોષ વ્યક્ત કરાયો છે. વર્ષ 2012થી 2022 દરમિયાન યુજીસીની વેબસાઇટ પર 105 રેગિંગની ફરિયાદ નોંધાઇ હતી. જેની સામે વર્ષ 2022થી 2026 સુધીમાં 86 ફરિયાદો થઇ છે. ગુજરાતની કુલ રેગિંગની ફરિયાદ પૈકી 26 ટકા ફરિયાદો માત્ર મેડિકલ કોલેજમાં થઇ છે. વર્ષ 2026માં જ બી.જે. મેડિકલ કોલેજમાં બે રેગિંગની ઘટના નોંધાઇ છે. આજ રીતે ભાવનગર મેડિકલમાં કોલેજમાં એક, જીએમઇઆરએસ હિંમતનગર, ગાંધીનગરમાં એક-એક, જામનગર સરકારી મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ વિસનગરમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધાઇ હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયા છે. સરકારે રેગિંગ રોકવા માટે કડક કાર્યવાહી કરી હોય તો સુરત મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીનો જીવ બચી શક્યો હોય પરંતુ સરકારની ઇચ્છાશક્તિના અભાવે આવી ઘટનાઓ વધી રહી છે.
સમગ્ર શિક્ષા અભિયાન (SSA)ની કચેરીના સચિવ શિલ્પા પટેલની ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (GIET)ના નાયબ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.હાલમાં સચિવનો ચાર્જ SSAના એમ.એમ. પટેલને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ સિવાયની કેડરના અધિકારીને સચિવ તરીકે ચાર્જ સોંપાયો હોવાની આ પ્રથમ ઘટના ગણવામાં આવી રહી છે.


