રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
આજી સહિતના ૨૭ ડેમ ઓવરફ્લો, 34 જળાશય હાઈએલર્ટ, ૧૦ એલર્ટ અને ૯ વોર્નિંગ પર: રાજ્યમાં ૬૭.૪૯ લાખ હેક્ટરમાં વાવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં વરસાદે અનેક વિસ્તારોમાં રાહત આપી છે, પરંતુ હજુ એક મોટો સવાલ સૌના મનમાં છે… શું આગામી પાંચ દિવસમાં મેઘરાજા વધુ મહેરબાન બનશે? હવામાન વિભાગની નવી આગાહીએ ખેડૂતો, શહેરવાસીઓ અને પ્રવાસીઓ માટે મહત્વના સંકેતો આપ્યા છે. બીજી તરફ રાજ્યના 27 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, છતાં સરદાર સરોવર ડેમ હજુ સંપૂર્ણ ભરાયો નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
4 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 25.36 ઈંચ એટલે કે 633.88 મિમિ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ મોસમી વરસાદના 69.74 ટકા જેટલો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 59.39 ઈંચ એટલે કે 96.28 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.46 ટકા, સૌરાષ્ટ્રમાં 54.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.29 ટકા અને કચ્છમાં માત્ર 29.05 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 251 તાલુકામાંથી 35 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે માત્ર 10 તાલુકામાં હજુ પણ 5 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં વરસાદનું વિતરણ હજુ પણ અસમાન રહ્યું છે.
સતત વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,61,755 એમસીએફટી પાણીનો જથ્થો છે, જે કુલ ક્ષમતાના 78.35 ટકા જેટલો છે, એટલે હજુ આશરે 22 ટકા ક્ષમતા ખાલી છે. રાજ્યના અન્ય 206 જળાશયો સરેરાશ 62.63 ટકા ભરાયા છે. હાલમાં રાજ્યના 27 ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થઈ રહ્યા છે, જ્યારે 34 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. બીજી તરફ સારા વરસાદના કારણે ખેતી ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 67.49 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતરના 79.10 ટકા જેટલું છે. મગફળી અને સોયાબીનનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતાં વધુ નોંધાયું છે, જ્યારે કપાસ અને ડાંગરનું વાવેતર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખેડૂતો માટે આગામી દિવસોનો વરસાદ ખેતી માટે વધુ લાભદાયી સાબિત થઈ શકે છે.


