ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 21 માર્ચથી શરૂ થવાની છે. IPL 2025ની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ એક મોટો નિર્ણય લીધો છે. લખનૌ ટીમે રિષભ પંતને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.
સંજીવ ગોયેન્કાએ પંત વિશે કરી ભવિષ્યવાણી
રિષભ પંતની કેપ્ટન તરીકે નિમણૂકની પુષ્ટિ કરતા સંજીવ ગોયેન્કાએ કહ્યું કે ‘બધી વ્યૂહરચના રિષભની આસપાસ ફરતી હતી.’ આ બધું તેમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. જ્યારે સંજીવ ગોયેન્કાને પૂછવામાં આવ્યું કે ફક્ત રિષભ પંત જ કેમ, ત્યારે સંજીવ ગોયેન્કાએ કહ્યું કે મને લાગે છે કે સમય તે સાબિત કરશે.
તે ફક્ત આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી જ નથી પણ આઈપીએલના બેસ્ટ ખેલાડીઓમાંનો એક પણ છે. લોકો ધોની અને રોહિતને IPLના સૌથી સફળ કેપ્ટનોની લિસ્ટમાં રાખે છે. મારી વાત યાદ રાખો, 10-12 વર્ષ પછી, ધોની અને રોહિતની સાથે રિષભ પંત પણ આ લિસ્ટમાં હશે.
કેપ્ટન બનવા પર પંતે કહી આ વાત
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન બન્યા બાદ રિષભ પંતે કહ્યું કે ‘તેમને મારા વિશે જે કહ્યું તેનાથી હું અભિભૂત છું.’ રિષભ પંત માને છે કે લખનૌ ટીમમાં સિલેક્ટ થયા પછી સંજીવ ગોયેન્કા સાથેની બધી વાતચીતો પરથી તેને લાગ્યું કે ફ્રેન્ચાઈઝીમાં તેનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું છે.
આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
રિષભ પંત આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. પંતને IPL 2025 ના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંતે ગયા સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. દિલ્હી ટીમે તેને રિટેન કર્યો ન હતો. આ પરિસ્થિતિમાં પંત 2016 પછી પહેલી વાર ઓક્શનમાં ઉતર્યો. પરંતુ દિલ્હીની ટીમે પંત માટે RTM કાર્ડ નિયમનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અંતે લખનૌની ટીમે મોટી બોલી લગાવીને પંતને ખરીદ્યો.


