ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં અર્શદીપ સિંહે ઈતિહાસ રચ્યો છે. તે T20I માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મામલે તેને યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે.
ચોથી ઓવરમાં રચ્યો ઈતિહાસ
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં ઈંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટને પહેલો ઝટકો આપ્યો. ત્યારબાદ તેને પોતાની બીજી ઓવરમાં બેન ડકેટને નિશાન બનાવ્યો. આ સાથે તે T20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. તેને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે, જેને તેના T20 કરિયરમાં 96 વિકેટ લીધી છે. પરંતુ હવે અર્શદીપ 97 વિકેટ સાથે T20 માં ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે માત્ર 61 મેચમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે ચહલે 96 વિકેટ લેવા માટે 80 મેચની મદદ લેવી પડી હતી.
ભારત માટે T20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ભુવનેશ્વર કુમાર T20I માં ભારત માટે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેને 87 મેચોમાં 90 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહ 89 વિકેટ સાથે ચોથા સ્થાને છે. જસ્સીએ 70 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે હાર્દિક પંડ્યા પાંચમા નંબરે છે. તેને 110 T20 મેચોમાં 89 વિકેટ લીધી છે.
ભારતની મજબૂત શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કર્યા બાદ, ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી. અર્શદીપની શાનદાર બોલિંગને કારણે મહેમાન ટીમે ટૂંક સમયમાં જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી. ફિલ સોલ્ટ પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, જ્યારે બેન ડકેટ પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. તેને 4 બોલમાં 4 રન બનાવ્યા. ભારતને પહેલી બે સફળતા અર્શદીપે અપાવી હતી. અર્શદીપ સિંહ ભારત માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.


