અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે સાઉદી અરેબિયાને તેલના ભાવ ઘટાડવા અને અમેરિકામાં રોકાણ એક ટ્રિલિયન ડોલર સુધી વધારવા માટે અપીલ કરી છે. ટ્રમ્પે વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું, ‘મેં ગ્રીન ન્યૂ ડીલને મારી નાખી.’ હું તેને ગ્રીન ન્યૂ સ્કેમ કહું છું.
ઓઈલની કિંમતોમાં ઘટાડો થશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ પૂર્ણ થઈ જશે: ડોનાલ્ડ ટ્રમ્પ
હું એકપક્ષીય રીતે પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી ગયો અને મોંઘા ઈલેક્ટ્રિક વાહનના આદેશને દૂર કર્યો. અમેરિકા પાસે પૃથ્વી પરના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ તેલ અને ગેસ છે અને આપણે તેનો ઉપયોગ કરીશું. હું સાઉદી અરેબિયા અને ઓપેકને પણ તેલના ભાવ ઘટાડવા કહીશ, તમારે તે ઘટાડવા પડશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે જો તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે. તેમણે કહ્યું, ‘જો કિંમતો ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે.’ હું માગ કરીશ કે વ્યાજ દર તાત્કાલિક ઘટાડવામાં આવે. તેમને આખી દુનિયામાં ઘટાડવાની જરૂર છે.
સાઉદી અરેબિયા અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરશે
ટ્રમ્પની આ ટિપ્પણી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જાહેરાત કરી હતી કે તેમનો દેશ આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરવા માગે છે. ક્રાઉન પ્રિન્સ દ્વારા આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ટેલિફોન પર થયેલી વાતચીત પછી સામે આવી છે.
‘તમારા ઉત્પાદન અમેરિકામાં બનાવો નહીંતર ટેરિફ ચૂકવો’
વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધતા, ટ્રમ્પે વિશ્વભરના ઉદ્યોગપતિઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓએ ઉત્પાદનની કામગીરી અમેરિકામાં કરવી જોઈએ, નહીં તો ટેરિફ વધારાનો સામનો કરવા માટે તૈયાર રહો. ટ્રમ્પે કહ્યું, ‘દુનિયાના દરેક વ્યવસાય માટે મારો સંદેશ ખૂબ જ સરળ છે. અમેરિકામાં આવો અને તમારું ઉત્પાદન બનાવો અને અમે તમને વિશ્વના કોઈપણ દેશની તુલનામાં સૌથી ઓછો ટેક્સ આપીશું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યવસાયો તેમના ઉત્પાદનો ક્યાં બનાવે છે તે પસંદ કરવા માટે સ્વતંત્ર હોવા છતાં, યુએસમાં ઉત્પાદન છોડી દેવાથી નાણાકીય પરિણામો આવશે. જો તમે તમારા ઉત્પાદનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરો, તો તમારે ટેરિફ ચૂકવવા પડશે.


