અમેરિકાની અનુભવી ખેલાડી મેડિસન કિસે આખરે 46મા પ્રયાસમાં પોતાનો ગ્રાન્ડસ્લેમ જીતવાની સફળતા હાંસલ કરી હતી. 29 વર્ષીય મેડિસને શનિવારે મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સની ફઇનલમાં બેલારુસની આર્યના સબાલેન્કોને 6-3,2-6, 7-5થી હરાવીને મેલબોર્નમાં નવી ક્વીન બનવાની સિદ્ધિ મેળવી હતી.
આ સાથે સબાલેન્કો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવાની હેટ્રિકથી વંચિત રહી હતી. તેણે 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. છેલ્લે માર્ટિના હિંગિસે 1997થી 1999માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાની હેટ્રિક નોંધાવી હતી. આ ઉપરાંત મેલબોર્ન પાર્ક ખાતે સબાલેન્કોનો સતત 20 તથા સિઝનની સતત 11 મેચનો વિજય રથ પણ અટકી ગયો હતો.મેડિસન પ્રથમ વખત 2015ની ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફઇનલમાં પ્રવેશીને તમામને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ તે 2017માં યુએસ ઓપનની ફઇનલમાં પહોંચી હતી પરંતુ ટ્રોફી જીતી શકી નહોતી. મેડિસન છેલ્લા પાંચ વર્ષમાં આ ટ્રોફી જીતનાર પ્રથમ અમેરિકન ખેલાડી પણ બની છે. છેલ્લે 2020માં સોફિયા કેનિને સ્પેનની ગુર્બાઇન મુગુરુઝાને ત્રણ સેટમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું.
16 વર્ષમાં પ્રથમ વખત : મેડિસન છેલ્લા 16 વર્ષમાં નંબર-1 અને નંબર-2ને હરાવીને ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી બની છે. તેણે સબાલેન્કો પહેલાં સેમિફઇનલમાં બીજી ક્રમાંકિત ઇગા સ્વિયાતેકને હરાવી હતી. આ પહેલાં 2009ના ફ્રેન્ચ ઓપનમાં રશિયાની સ્વેતલાના કુઝનેત્સોવાએ સેરેના વિલિયમ્સ તથા દિનારા સાફિનાને હરાવીને ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.
ત્રીજી ખેલાડી : મેડિસન સર્વાધિક વખત ગ્રાન્ડસ્લેમમાં રમ્યા બાદ પોતાની પ્રથમ મેજર ટ્રોફી જીતનાર ત્રીજી ખેલાડી છે. આ પહેલાં ઇટાલીને ફ્લેવિયા પેનેટ્ટાએ 49મા પ્રયાસે તથા ફ્રાન્સની મારિયન બાર્ટોલીએ 47 પ્રયાસ બાદ પ્રથમ મેજર ટાઇટલ જીત્યું હતું.
સાતમા ક્રમાંકે પહોંચશે : ડબ્લ્યૂટીએ દ્વારા સોમવારે જાહેર થનાર વિમેન્સ વર્લ્ડ રેન્કિંગમાં મેડિસન મેલબોર્નમાં ટ્રોફી જીતવાના કારણે કારકિર્દીના બેસ્ટ સાતમા ક્રમાંકે પહોંચી જશે. તે 2016માં ત્રણ સપ્તાહ માટે સાતમી ક્રમાંકિત ખેલાડી રહી હતી. તેણે વર્તમાન સિઝનમાં સતત 12મો વિજય હાંસલ કર્યો છે.
ઓપન યુગની પાંચમી ખેલાડી : મેડિસન પોતાના છેલ્લા ચાર મુકાબલા ત્રણ સેટમાં જીતીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનેલી ઓપન યુગની પાંચમી ખેલાડી છે. તે સૂ બાર્કર (ફ્રેન્ચ ઓપન, 1976), કોચિંતા માર્ટિનેઝ (વિમ્બલ્ડન, 1994), મારિયા શારાપોવા (ફ્રેન્ચ ઓપન, 2014) તથા જેલેના ઓસ્ટાપેન્કો (ફ્રેન્ચ ઓપન, 2017) બાદ કોઇ ગ્રાન્ડસ્લેમ જીતનાર પાંચમી ખેલાડી છે.


