શાપર પોલીસે મોબાઇલ ટાવરમાં ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, ચોંકાવનારો ખુલાસો
ટાવર પર ચડી ચાલુ વીજપ્રવાહ વચ્ચે વાયર કાપી લાખોની કિંમતના AZNA રેડિયો યુનિટ ઉતારી લેતા; ચોરાયેલો માલ દિલ્હી મારફતે વિદેશ મોકલાતો હોવાનો ઘટસ્ફોટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં મોબાઇલ ટાવર પરથી કિંમતી રેડિયો યુનિટ ચોરી કરી તેને દેશ બહાર પહોંચાડવાના કૌભાંડનો શાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજકોટ, ચોટીલા અને જસદણના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં છેલ્લા બે મહિનાથી અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં મોબાઇલ ટાવરોને નિશાન બનાવી ચોરી કર્યાની વિગતો બહાર આવી છે. ચોરાયેલો માલ કુરિયર મારફતે દિલ્હી પહોંચાડવામાં આવતો અને ત્યાંથી મળતીયાઓ દ્વારા વિદેશમાં મોકલવામાં આવતો હોવાની કબૂલાત સામે આવી છે.
શાપર વિસ્તારમાં ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર પર નોકિયા કંપનીના બે AZNA રિમોટ રેડિયો યુનિટ લગાવવામાં આવ્યા હતા. આશરે રૂ.1.20 લાખની કિંમતના આ યુનિટ અજાણ્યા શખ્સો ટાવર પર ચડી વાયરીંગ કાપી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ શાપર પીઆઇ આર.બી. રાણાની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીના આધારે પોલીસને સફળતા મળી હતી. પોલીસે જયદીપ વલ્લભ બાવળીયા, ઉંમર 23, રહે. રાજકોટ, મૂળ ધારેઇ-ચોટીલા, રાહુલ સુરેશ સતવાણી, ઉંમર 20, રહે. ધારેઇ-ચોટીલા અને ધર્મેશ ધીરૂ મેવાસીયા, ઉંમર 20, રહે. નાની લાખાવાડ-જસદણને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી બે નોકિયા AZNA રિમોટ રેડિયો યુનિટ ઉપરાંત કાર, મોબાઇલ ફોન, કાપણીના સાધનો, ડિસમીસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ માત્ર શાપરમાં જ નહીં પરંતુ રાજકોટ અને અમદાવાદના અનેક મોબાઇલ ટાવરોમાંથી આ પ્રકારના યુનિટ ચોર્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોબાઇલ ટાવર પર લાગેલા નેટવર્ક કનેક્ટિવિટી માટેના અતિસંવેદનશીલ રેડિયો યુનિટને જ નિશાન બનાવતા હતા. રાત્રીના સમયે ટાવર પર ચડી ચાલુ વીજપ્રવાહ વચ્ચે તેના વાયર કાપી, સાધનોની મદદથી યુનિટ અલગ કરી નીચે ઉતરી જતા હતા. ત્યારબાદ ચોરાયેલો માલ કુરિયર મારફતે અલગ અલગ શહેરોમાં મોકલી આખરે દિલ્હી પહોંચાડવામાં આવતો હતો. દિલ્હીમાં રહેલા મળતીયાઓ મારફતે આ યુનિટ વિદેશ મોકલવામાં આવતા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.
આરોપીઓએ અમદાવાદ રીંગ રોડ પરના બે મોબાઇલ ટાવરમાંથી પાંચ યુનિટ, રાજકોટ-મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી બે યુનિટ તેમજ આજીડેમ અને માનસરોવર સોસાયટી નજીકના ટાવરમાંથી પાંચ યુનિટ ચોર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટના કોઠારીયા પીરની દરગાહ નજીકથી બે, આજીડેમ ચોકડી-ભાવનગર રોડ પરથી ત્રણ, કોઠારીયા રણુંજા મંદિર નજીકથી બે, રાજકોટ-કાલાવડ રોડ પરથી એક અને ન્યુ 150 ફૂટ રિંગ રોડ-2 પરથી બે AZNA રેડિયો યુનિટ ચોર્યાની વિગતો પણ પૂછપરછમાં બહાર આવી છે.
આ રીતે આરોપીઓએ અલગ અલગ સ્થળેથી મોટી સંખ્યામાં કિંમતી રેડિયો યુનિટ ચોરી કર્યા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા હવે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સો તેમજ ચોરાયેલો માલ ખરીદનાર અને વિદેશમાં મોકલનાર લોકો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શાપર પોલીસે પકડી પાડેલી આ ગેંગના કબૂલાતના આધારે મોબાઇલ ટાવર ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


