કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. મેગા ઓક્શનમાં KKR એ જેના માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા તે ખેલાડી રણજી ટ્રોફીમાં રમાઈ રહેલી મેચ દરમિયાન ઘાયલ થયો છે. મધ્યપ્રદેશ તરફથી રમતી વખતે, વેંકટેશને બેટિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. KKR સ્ટાર મેદાન પર પીડાથી હેરાન થતો જોવા મળ્યો. મેદાન પર લાંબી સારવાર બાદ, વેંકટેશને મેદાનની બહાર લઈ જવો પડ્યો.
વેંકટેશ થયો ઈજાગ્રસ્ત
IPL 2025 પહેલા KKR ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. રણજી ટ્રોફીમાં કેરળ સામે રમતી વખતે વેંકટેશ ઐયર ગંભીર રીતે ઘાયલ થયા છે. મધ્યપ્રદેશ માટે છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા વેંકટેશને બેટિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં મચકોડ આવી ગઈ હતી, જેના કારણે તે પીડાથી હેરાન થતો જોવા મળ્યો હતો. વેંકટેશની હાલત જોઈને ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું.
લાંબી સારવાર પછી પણ, વેંકટેશ ફરીથી બેટિંગ કરવા માટે ઊભા રહી શક્યો નહીં. વેંકટેશ લંગડાતો લંગડાતો મેદાનમાંથી બહાર નીકળી ગયો. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વેંકટેશની ઈજા કેટલી ગંભીર છે, કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સે ઓક્શનમાં આ ઓલરાઉન્ડર પર મોટો દાવ લગાવ્યો છે.
KKR એ વેંકટેશ પર કર્યો પૈસાનો વરસાદ
IPL 2025 માટે મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે વેંકટેશ ઐયર માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા. KKR એ 23.75 કરોડ રૂપિયા ખર્ચ કરીને વેંકટેશને ફરીથી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગયા સિઝનમાં કોલકાતા માટે વેંકટેશનું પ્રદર્શન ઉત્તમ રહ્યું હતું. તેને ફાઈનલ મેચમાં 26 બોલમાં 52 રનની ઝડપી ઈનિંગ રમીને KKR ને ત્રીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


