દક્ષિણ કોરિયાના ગિમ્હે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ છે. એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી, વિમાન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું તે પહેલાં જ વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 176 મુસાફર સવાર હતા. માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
વિમાન બુસાનથી હોંગકોંગ જવા માટે ઉડાનની તૈયારી કરી રહ્યું હતું
આ એર બુસાન વિમાન A321 દક્ષિણ-પૂર્વીય શહેર બુસાનથી હોંગકોંગ જવા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું તે પહેલાં જ વિમાનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ 45 ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને ફાયર બ્રિગેડના વાહનો પણ છે અને વિમાનની આસપાસ ઘણા લોકો હાજર છે.
બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈન્ફલેટેબલ સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની હાલત ગંભીર નથી. ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. હાલમાં આગની ઘટનાની તપાસ ચાલી રહી છે.
1 મહિનામાં આ બીજી વિમાન દુર્ઘટના
1 મહિનામાં દક્ષિણ કોરિયામાં આ બીજી વિમાન દુર્ઘટના છે. ગયા વર્ષે 29 ડિસેમ્બરે દક્ષિણ કોરિયામાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. જેજુ એરનું બોઈંગ 737-800 વિમાન મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ક્રેશ થયું. આ અકસ્માતમાં 181માંથી 179 લોકો મૃત્યુ પામ્યા હતા અને ફક્ત 2 જ લોકો બચી શક્યા હતા. વિમાનના લેન્ડિંગ ગિયરે કામ કર્યું નહીં, જેના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું, કોંક્રિટના માળખા સાથે અથડાયું અને આગ લાગી ગઈ.


