રણજી ટ્રોફી 2024-25 ક્વાર્ટર-ફાઈનલ મેચ 8 ફેબ્રુઆરીથી મુંબઈ અને હરિયાણા વચ્ચે રમાઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે હરિયાણાને 152 રનથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.
મુંબઈના ઘણા સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. મુંબઈ માટે કેપ્ટન અજિંક્ય રહાણેએ સદી ફટકારી અને વિજયનો હીરો બન્યો.
મુંબઈએ પહેલી ઈનિંગમાં બનાવ્યા 315 રન
પ્રથમ ઈનિંગમાં મુંબઈએ 88.2 ઓવરમાં 315 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કોઈ પણ મુખ્ય બેટ્સમેન પ્રથમ ઈનિંગમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. પરંતુ શમ્સ મુલાનીએ 91 અને તનુષ કોટિયને 97 રન બનાવ્યા હતા. જ્યારે હરિયાણાએ પ્રથમ ઈનિંગમાં 301 રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં મુંબઈના મુખ્ય બેટ્સમેનોએ બાજી સંભાળી. કેપ્ટન અજિંક્ય રહાણેએ 180 બોલમાં 108 રન બનાવ્યા. તેના સિવાય સૂર્યકુમાર યાદવે પણ 70 રનનું યોગદાન આપ્યું, જેના કારણે મુંબઈએ 339 રન બનાવ્યા, જેના જવાબમાં હરિયાણા 201 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મુંબઈએ 152 રનથી મેચ જીતી લીધી.
આ 2 ટીમોએ પણ સ્થાન કર્યું નક્કી
મુંબઈ સિવાય વિદર્ભે પણ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વિદર્ભે તમિલનાડુને 198 રનથી હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગુજરાતનો 98 રનથી વિજય થયો હતો. હવે ચોથી ટીમના સેમિફાઈનલમાં પ્રવેશની રાહ જોઈશું. કારણ કે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચનું પરિણામ હજુ આવવાનું બાકી છે. કેરળને જીતવા માટે 299 રનની જરૂર છે. જ્યારે કાશ્મીરને મેચ જીતવા માટે છેલ્લા દિવસે 8 વિકેટ લેવી પડશે.


