ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ શકશે નહીં. પીઠની ઈજાને કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો પડ્યો.
જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ જસપ્રીત બુમરાહની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેને એક ખાસ તસવીર પણ શેર કરી છે.
બુમરાહે શેર કરી ખાસ તસવીર
જસપ્રીત બુમરાહે 13 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં ફાસ્ટ બોલર જીમમાં જોવા મળી રહ્યો છે. તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે બુમરાહ જીમમાં સખત મહેનત કરી રહ્યો છે અને શક્ય તેટલી વહેલી તકે ફિટ થઈને ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માંગે છે. બુમરાહે પોસ્ટના કેપ્શનમાં ‘રિબિલ્ડિંગ’ લખ્યું.
બુમરાહ કમરના નીચેના ભાગમાં ઈજાના કારણે ભારતીય ટીમની બહાર હતો. તેના બહાર થયા પછી ફેન્સ સિવાય ટીમને પણ મોટો ઝટકો પડ્યો. બુમરાહની આ પોસ્ટ પર ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ કોમેન્ટ કરી છે. તેને લખ્યું કે ‘હું તમારી રાહ જોઈશ’
આ ખેલાડીને મળી તક
જસપ્રીત બુમરાહના બહાર થયા બાદ હર્ષિત રાણાને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આ સિવાય યશસ્વી જયસ્વાલને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેને 5 મેચમાં કુલ 32 વિકેટ લીધી. પરંતુ હવે ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ ઝડપી બોલરની ખોટ સાલશે. તેની ગેરહાજરીમાં, ભારતીય ઝડપી બોલિંગ વિભાગનું નેતૃત્વ મોહમ્મદ શમી, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ કરશે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે બુમરાહ આઈપીએલ 2025માં ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
રિઝર્વ ખેલાડીઓ- યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.


