બાંગ્લાદેશના સુકાની નજમુલ હુસૈન શાન્તોએ જણાવ્યું હતું કે અમારી ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટેની ક્ષમતા ધરાવે છે અને આઇસીસી ઇવેન્ટ દરમિયાન અમે કેટલીક ફેવરિટ ટીમોની ગણતરી બગાડી શકીએ છીએ. શાન્તોએ અન્ય ટીમોને ચેતવણીનો સંકેત આપ્યો હતો કે આઠ ટીમોની ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ કેટલાક સનસનાટીભર્યા પરિણામ આપી શકે છે.
શાન્તોએ જણાવ્યું હતું કે અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બનવા માટે જઇ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટમાં તમામ આઠ ટીમો ટાઇટલ જીતવા માટેની હકદાર છે. મારા મતે અન્ય ટીમોની જેમ અમારી ટીમમાં પણ ક્ષમતા છે. પ્રત્યેક ખેલાડી ચેમ્પિયન બનવા માગે છે અને તેઓ પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ કરે છે. અમે આકરી મહેનત કરીને સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરવા માગીશું અને મને ભરોસો છે કે અમે અમારો ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ પણ રહીશું. ટીમનો પ્રત્યેક ખેલાડી પોતાની ક્ષમતાના આધારે વિજય અપાવી શકે છે. અમારી પાસે પેસ અને સ્પિન બોલર્સનું શાનદાર કોમ્બિનેશન છે. અમારી પાસે બેલેન્સ ટીમ છે અને જો પ્રત્યેક પોતાની ક્ષમતા મુજબનો દેખાવ કરશે તો મને ખાતરી છે કે અમે કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ.


