ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રને હરાવ્યું. આ એક હારના કારણે, યજમાન પાકિસ્તાન પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, કિવી ટીમે પ્રથમ બેટિંગ કરીને 320 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેના જવાબમાં સમગ્ર પાકિસ્તાન ટીમ 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનની હજુ ભારત અને બાંગ્લાદેશ સામેની મેચો બાકી છે.
મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય
આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે પણ કદાચ વિચાર્યું નહીં હોય કે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય તેમના પર વિપરીત અસર કરશે. ડેવોન કોનવે, કેન વિલિયમસન અને ડેરિલ મિશેલ સસ્તામાં આઉટ થયા પરંતુ વિલ યંગ અને ટોમ લેથમે સદી ફટકારીને પાકિસ્તાનને પાછળ છોડી દીધું. એક તરફ, વિલ યંગે 107 રનની પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ટોમ લેથમે 118 રનની અણનમ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેના સિવાય ગ્લેન ફિલિપ્સે પણ 39 બોલમાં 69 રનની ઝડપી Rનિંગ રમી અને ન્યુઝીલેન્ડને 320 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો.
પાકિસ્તાન માટે શરમજનક હાર
જ્યારે પાકિસ્તાન 321 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં આવ્યું ત્યારે સઈદ શકીલ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. એક છેડેથી સતત વિકેટ પડી રહી હતી, પરંતુ બાબર આઝમે 64 રનની ઈનિંગ રમીને બીજા છેડાને પકડી રાખ્યો. સલમાન આગાએ 42 રન બનાવ્યા જ્યારે ફખર ઝમાને 24 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.
સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા ખુશદિલ શાહે પાકિસ્તાનની જીતની આશા થોડા સમય માટે જીવંત રાખી. પરંતુ બીજા છેડેથી બોલરો લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યા નહીં. ખુશદિલે 49 બોલમાં 69 રન બનાવ્યા, પરંતુ દબાણને કારણે તેને મોટા શોટ રમવા પડ્યા અને આ દરમિયાન તેને પોતાની વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાની ટીમની હાર શરમજનક હતી કારણ કે તેઓ પૂરા 50 ઓવર પણ રમી શક્યા ન હતા. આ હાર સાથે પાકિસ્તાન ટીમની ફાઈનલમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે.


