ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપીને મેચમાં ભવ્ય જીત મેળવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. જેમાં બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી અને ભારતને જીત અપાવી છે. ત્યારે અન્ય બેટસમેન શ્રેયસ ઐય્યરે 56 રન અને શુભમન ગિલે 46 રન કર્યા છે.
ક્રિકેટ રસિકોમાં ભારતની જીતને લઈને અનેરો ઉત્સાહ
ત્યારે ભારતની જીત સાથે જ દુબઈ સહિત ભારતમાં અને ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ક્રિકેટ રસિકોમાં ભારતની જીતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચીને જીતની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટવાસીઓએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભવ્ય જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરી છે. આ સિવાય આખી મેચનો આનંદ રંગીલા રાજકોટવાસીઓએ માણ્યો છે. ફેમિલી અને મિત્રો સાથે મેચની મજા લોકોએ માણી છે. કેટલાક જાહેર માર્ગો પર સ્ક્રીન પર મેચ જોતા લોકો જોવા મળ્યા હતા. ક્રિકેટ ફેન્સ કહી રહ્યા છે કે 2017ની હારનો બદલો લેવામાં આવ્યો છે અને હાલમાં રાજ્યભરમાં ફટાકડા ફોડીને જીતની ઉજવણી જોતા લાગી રહ્યું છે કે જાણે દિવાળી જેવો માહોલ હોય.
રોહિત શર્માના ટીચર યોગેશ પટેલે લોકોને મીઠાઈ ખવડાવી
બીજી તરફ પાકિસ્તાન સામે ભારતનો વિજય થતાં જ મુંબઈમાં ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભારતની જીત બાદ બોરીવલીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગોરાઈ સમાજ ઉન્નતિ ગ્રાઉન્ડ પર જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. લોકોએ ઢોલ-નગારા, મીઠાઈ સાથે સેલિબ્રેશન કર્યું છે. ત્યારે રોહિત શર્માના ટીચર યોગેશ પટેલે લોકોને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી છે.


