ખેડાના નડિયાદમાં સાથ બજારમાં ફાયરિંગ કરીને લૂંટ કરવાનો પ્રયત્ન કરવાની ઘટના સામે આવી છે. બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કર્યુ અને જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. બે લૂંટારૂઓએ હવામાં ફાયરિંગ કર્યુ અને આ દરમિયાન વધુ એક મદદગાર દૂર ઊભો હતો. વ્યસ્ત માર્કેટમાં દુકાન બંધ કરતા સમયે આ ઘટના બની છે.
પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો
જો કે ઘટનાની જાણ કરતા જ તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પૂર્ણાંક સાલકે નામના વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લૂંટારૂઓએ હવામાં ફાયરિંગ કરતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. લૂંટારૂઓએ વેપારી પાસેથી રૂપિયા 50,000 રોકડ મુકેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો, જો કે વેપારીએ હિંમત રાખીને થેલો છોડ્યો નહીં અને ડરના લીધે લૂંટારૂઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે.
બીલીમોરામાં ચપ્પુની અણીએ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો
નવસારીના બીલીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે બીલીમોરામાં જ રહેતા બે આરોપી મિહિર અને પ્રિન્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના બીલીમોરા શહેરમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. તેવામાં બીલીમોરા પોલીસે બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ, સહયોગ સોસાયટીમાં આવેલા એક ઘરમાં ધોળા દિવસે 2 બુકાનીધારી લુંટારુઓએ લૂંટ ચલાવી હતી. સહયોગ સોસાયટીમાં એક ઘરમાં વૃદ્ધ મહિલાના ગળાના ભાગે ચપ્પુ મૂકીને સોનાના દાગીની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી ભાગતા લૂંટારૂ CCTV કેમેરામાં કેદ થયા હતા. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે.


