રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીત મેળવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં પહોંચીને, કેપ્ટન રોહિત શર્માના નામે એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીથી લઈને વિરાટ કોહલી સુધી, કોઈ પણ આ સિદ્ધિ મેળવી શક્યું નથી.
ચારેય ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ 2024માં, ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી અને ટાઈટલ જીત્યું હતું, તે પહેલાં, રોહિતની કેપ્ટનશીપમાં, ટીમ ઈન્ડિયા 2023 ના ODI વર્લ્ડકપની ફાઈનલમાં પણ પહોંચી હતી, પરંતુ ફાઈનલમાં પહોંચ્યા પછી, ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
રોહિત શર્મા હવે ચારેય ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા, ટીમ ઈન્ડિયા ક્યારેય એમએસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પણ ચારેય આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી શકી ન હતી.
- આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (ફાઈનલ)
- ODI વર્લ્ડ કપ 2023 (ફાઈનલ)
- T20 વર્લ્ડકપ 2024 (ફાઈનલ)
- આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025(ફાઈનલ)
ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઈનલ મેચમાં, કેપ્ટન રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત આપી હતી, પરંતુ તે લાંબી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. આ મેચમાં રોહિતે 28 રન બનાવ્યા. આ સિવાય વિરાટ કોહલીએ 84, શ્રેયસ ઐયરે 45 અને કેએલ રાહુલે 42 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી.


