વિશ્વ ક્રિકેટને એક નવો જોન્ટી રોડ્સ મળ્યો છે. મેદાન પર ચિત્તા જેવી ચપળતા અને હવામાં તરતા સમયે કેચ પકડવાની કુશળતા ધરાવે છે. આ ખેલાડીની કુશળતાનું જબરદસ્ત પ્રદર્શન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જોવા મળ્યું. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ન્યુઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ છે.
પાકિસ્તાન સામે મોહમ્મદ રિઝવાનનો અદ્ભુત કેચ, ત્યારબાદ વિરાટ કોહલીનો હવામાં ઉડતી વખતે શાનદાર કેચ. ફિલિપ્સના આ બંને કેચની ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ ફાઈનલ મેચમાં કિવી ખેલાડીએ ચમત્કાર કર્યો. ફિલિપ્સે સુપરમેનની જેમ હવામાં તરતા શુભમન ગિલનો એક અવિશ્વનિય એક હાથે કેચ પકડ્યો.
ફિલિપ્સનો અદ્ભુત કેચ
252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ દ્વારા સારી શરૂઆત મળી. રોહિત-ગિલે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી. ગિલે એન્કરની ભૂમિકા ભજવી હતી, જ્યારે રોહિતે દુબઈના મેદાન પર પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. શુભમન ક્રીઝ પર સેટ દેખાતો હતો અને 31 રન પર રમી રહ્યો હતો. ઈનિંગની 19મી ઓવરમાં, ગિલે મિચેલ સેન્ટનર સામે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો.
ગિલના બેટમાંથી શોટ અને બાઉન્ડ્રી વચ્ચે ગ્લેન ફિલિપ્સ ઉડતો આવ્યો. ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને એક હાથે એક અદભુત કેચ પકડ્યો. ફિલિપ્સની આ ફિલ્ડિંગ જોઈને મેદાન પર હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા. ગિલના હાવભાવ જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તેને પણ વિશ્વાસ ન થયો કે ફિલિપ્સે આ કેચ કેવી રીતે લીધો.
રોહિતે અડધી સદી ફટકારી
ફાઈનલ મેચમાં રોહિત શર્માનું બેટ જોરથી બોલ્યું. હિટમેન શરૂઆતથી જ ખૂબ જ લયમાં દેખાતો હતો અને તેને કિવી બોલરોને જોરદાર હેરાન કર્યો. રોહિતે માત્ર 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. હિટમેને 83 બોલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી. રોહિતે પોતાની ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. રોહિત રચિન રવિન્દ્રનો બોલ સમજવામાં નિષ્ફળ ગયો અને સ્ટમ્પ આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો.


