હરમનપ્રીત કૌરની મુશ્કેલભરી સ્થિતિમાં આગળ આવીને પ્રેરણાદાયી પ્રદર્શન કરવાની ક્ષમતાના કારણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ગુજરાત જાયન્ટ્સ સામે ગુરુવારે રમાનારી વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચમાં વિજય માટેની પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ લીગ તબક્કામાં 10 પોઇન્ટ સાથે ફાઇનલમાં સીધી પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં હરમનપ્રીત અને ગુજરાત જાયન્ટ્સની એશ્લે ગાર્ડનર પોતપોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડવાના તમામ પ્રયાસ કરશે. આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે અને મુંબઇની ટીમે ઘરઆંગણાની પરિસ્થિતિમાં રમવાનો લાભ મળશે. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મુંબઇની ટીમ સોમવારે લીગ તબક્કામાં ગુજરાતને નવ રનથી હરાવ્યું હતું. આ મેચમાં હરમનપ્રીતે 33 બોલમાં 54 રનની આક્રમક ઇનિંગ રમી હતી. મુંબઇની ટીમ તેની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી ઓછી સંભાવના છે. હેલી મેથ્યૂઝ સારી શરૂઆત કરે છે અને પોતાની સ્પિન બોલિંગથી હરીફ ટીમ માટે મુશ્કેલી પણ સર્જે છે. બેટિંગમાં નેટ સિવર બ્રન્ટે આઠ મેચમાં 416 રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સવુમન છે. ગુજરાતની બોલર્સે તેને કાબૂમાં રાખવા માટે વિશેષ પ્રદર્શન કરવું પડશે. ગુજરાતની સુકાની ગાર્ડનર માટે સિઝન મિશ્રિત રહી છે. બેટિંગમાં હરલીન દેઓલે સારો દેખાવ કર્યો છે અને તેણે કપરી પરિસ્થિતિમાં સારી ઇનિંગ રમીને ટીમને નોકઆઉટ તબક્કા સુધી પહોંચાડી છે.


