ક્રિકેટની સૌથી નાની ફોર્મેટ જે રીતે બુલેટ ટ્રેનની જેમ આગળ વધી રહી છે તે જોતાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના સુકાની શુભમન ગિલનું માનવું છે કે આગામી સિઝનમાં કોઈ ટીમ 300 કે તેથી વધારાનો સ્કોર નોંધાવે તેવું જોવા મળી શકે છે.
ગિલે જણાવ્યું હતું કે ટી20 ક્રિકેટ એક ચોક્કસ પોઇન્ટ સુધી પહોંચી ગઈ છે જ્યાં મેચમાં 300નો સ્કોર નોંધાશે તેવો અહેસાસ પણ થાય છે. ગઈ સિઝનમાં અમે કેટલીક વખત 300ની નજીક પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 2024ની સિઝનમાં પંજાબ કિંગ્સે કોલકાતા સામે સફળતાપૂર્વક 262 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. હૈદરાબાદની ટીમે બેંગ્લુરુ સામે ત્રણ વિકેટે 287 રનનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હૈદરાબાદે પાવરપ્લેમાં જ વિના વિકેટે 125 રન બનાવ્યા હતા.
ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લીગને વધારે રસપ્રદ બનાવે છે અને તેનાથી સમર્થકોને વધારે મનોરંજન મળે છે તેમ જણાવીને ગિલે ઉમેર્યું હતું કે ટૂર્નામેન્ટનો પ્રોગ્રામ, સતત મેચો તથા ટ્રાવેલિંગના કારણે પ્લેયર્સ વ્યસ્ત રહે છે. તમે પ્રત્યેક દિવસે કોઈ ઓછો જાણીતો ખેલાડી મેચવિનિંગ પ્રદર્શન કરીને ટીમને જીતાડી શકે છે. જ્યારે તમે મેચો જીતી રહ્યા છો ત્યારે તમે વિજયની ફોર્મ્યુલા પાંચથી છ મેચો સુધી જાળવી રાખવાનો પ્રયાસ કરો છો. ઇજાઓના કારણે ટીમની રણનીતિને અસર પડે છે પરંતુ આ રમતનો ભાગ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25મી માર્ચે પંજાબ કિંગ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરનાર ગુજરાત ટાઇટન્સના સુકાની ગિલે પોતાની કેપ્ટનશિપ અને પ્લેયર તરીકેની ભૂમિકાના સંદર્ભમાં જણાવ્યું હતું કે જ્યારે હું બેટિંગ કરતો હોઉં છું ત્યારે માત્ર બેટ્સમેન તરીકે વિચારું છું. ફિલ્ડિંગમાં, મેદાનની અંદર તથા બહાર સુકાની તરીકે વિચારતો હોઉં છું. જો તમે સારું રમતા હોવ અને સ્માર્ટ નિર્ણય લેતા હોવ છો ત્યારે સતત બે કે ત્રણ મેચમાં મળેલા પરાજય અંગે વધારે ચિંતા થતી નથી. ટીમની પસંદગીમાં સાતત્યતા અને રણનીતિ ઘણી મહત્ત્વપૂર્ણ બાબત રહે છે. જો તમે બેઝિક ક્રિકેટ રમીને મેચો જીતવાનો પ્રયાસ કરો છો તો તમારી પાસે પ્લે ઓફ માટે ક્વોલિફાય થવાની તક વધી જાય છે.
આઇપીએલની અન્ય ટીમો કરતાં ગુજરાત પાસે વધારે સારો પેસ એટેક છે તેવું ભારપૂર્વક જણાવીને ગિલે ઉમેર્યું હતું કે રાશિદ ઘણો અનુભવી સ્પિનર છે અને તે ટીમના અન્ય બોલર્સ પાસેથી બેસ્ટ પ્રદર્શન કરાવી શકે છે. રુધરફોર્ડ, ફિલિપ્સ તથા જોસ બટલરના કારણે બેટિંગ વધારે મજબૂત થઇ છે. મહિપાલ અને સાઇના કારણે અમારી પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે. આઇપીએલ જેવી લાંબી ટૂર્નામેન્ટમાં બેલેન્સ રાખવું તે સફળતાની મુખ્ય ચાવી રહેશે.


