ભારતીય બોક્સિંગ ફેડરેશનના પ્રમુખ અજયસિંહે આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલા બીએફઆઇ મહાસચિવ હેમંત કલિતા ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ લવલીના બોરગોહેનને નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા રોકી રહ્યા છે.
અજયસિંહે એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ જીતનાર લવલીના નોઇડા ખાતે રમાનારી ડોમેસ્ટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માગે છે પરંતુ કલિતાએ તેને ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો આદેશ આપ્યો છે. કલિતા આસામ બોક્સિંગ એસોસિયેશનના સેક્રેટરીના હોદ્દાએ છે. દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ સુધીર કુમાર જૈન દ્વારા કરવામાં આવેલી તપાસમાં કલિતા નાણાકીય ગોટાળામાં દોષિત જાહેર થયા હતા.
અજયસિંહે જણાવ્યું હતું કે આસામ એસોસિયેશન તેની બોક્સર્સને નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી રોકી રહ્યું છે. લવલીનાએ ઇવેન્ટની સમર્થનમાં એક વીડિયો રેકોર્ડ પણ કર્યો છે પરંતુ અધિકારીઓનો ફોન આવ્યો હતો કે હેમંત કલિતા તેને ભાગ નહીં લેવા અંગે દબાણ કરી રહ્યા છે. આસામ બોક્સિંગમાં લવલીનાનું મોટું યોગદાન રહ્યું છે તેથી તે પોતાની ભાગીદારી અંગે પુનઃવિચાર કરી રહી છે. કલિતાએ પોતાની સામે થયેલા આક્ષેપો અંગે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. બીએફઆઈની ચૂંટણીમાં કલિતા એક ઉમેદવાર હતા પરંતુ તે કૂલિંગ ઓફ પિરિયડમાં હોવાથી ચૂંટણી લડી શકે તેમ નથી.


