ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ઈરફાન પઠાણ કોમેન્ટ્રીમાં સતત એક્ટિવ જોવા મળ્યો છે. પરંતું IPL 2025 18મી સિઝનમાંથી કોમેન્ટેટર્સ પેનલમાંથી પૂર્વ ભારતીય ઓવરાઉન્ડર ઇરફાન ખાન પઠાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ઇરફાન દરેક મેચમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે, પરંતુ આ વખતે દેખાયો નથી. તે આંતરરાષ્ટ્રીય મેચ તેમજ IPLમાં પણ ઘણી વખત કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. જોકે આ વખતે જ્યારે IPL માટે કોમેન્ટેટર્સની યાદી બહાર પાડવામાં આવી ત્યારે તેમાં ઇરફાન પઠાણનું નામ ગાયબ હતું. આ અંગે એક મોટો ખુલાસો થયો છે
મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઇરફાન પઠાણનું પત્તું એટલા માટે કપાયું કે, તેણે અંગત એજન્ડા ચલાવીને ખેલાડીઓની ટીકા કરી હતી. ખાસ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની ટીપ્પણીને કારણે ખેલાડીઓ નારાજ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇરફાન પઠાણને કેટલાક ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ સતત ટિપ્પણી કરવાને કારણે દંડિત કરવામાં આવ્યો છે. ઘણા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે ઇરફાન જાણી જોઈને તેમના વિશે વ્યક્તિગત ટિપ્પણીઓ કરી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી એવું થઈ રહ્યું છે કે જાણે પઠાણ કેટલાક ખેલાડીઓ સામે વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યો હોય. ઘણા ક્રિકેટરોને આ ગમ્યું નહીં.
એક મીડિયા રિપોર્ટમા કહેવાયું છે કે થોડા સમય પહેલાં ઇરફાનનો ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો તો એવા ખેલાડીઓ સામે તેણે આક્રમક ટીપ્પણી કરી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની શ્રેણી દરમિયાન એક સ્ટાર ખેલાડીએ પોતાના વિશે જે રીતે વાત થઈ રહી હતી તે સાંભળીને ઈરફાન પઠાણનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે પઠાણે છેલ્લા આંતરરાષ્ટ્રીય અને IPL મેચો દરમિયાન કેટલાક ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેતી વખતે ઘણું ઉદ્ધત વલણ દર્શાવ્યું હતું અને BCCI ને આ ગમ્યું ન હતું.
ઇરફાન ખાન પઠાણ ગુજરાતના વડોદરાનો છે અને તે એક જમાનમાં ટીમ ઇન્ડિયોનો ઓલરાઉન્ડર હતો. તેણે 22 માર્ચે જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.


