માર્ક ચેપમેનના 132 રન અને ડેરિલ મિચેલના 76 રન ઉપરાંત બંનેએ નોંધાવેલી 199 રનની ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ વન-ડેમાં નવ વિકેટે 344 રન બનાવીને પાકિસ્તાનને 73 રનથી પરાજય આપ્યો હતો. ચેપમેને ત્રીજી વન-ડે સદી નોંધાવીને કિવિ ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ન્યૂઝીલેન્ડે 13 ઓવર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ન્યૂઝીલેન્ડ માટે રમનાર પાકિસ્તાન મૂળના મોહમ્મદ અબ્બાસે 24 બોલમાં 50 રન બનાવ્યા હતા જે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરનાર કોઇ પણ ખેલાડી માટે ફસ્ટેસ્ટ અડધી સદી છે. બાબર આઝમે પાકિસ્તાન માટે 83 બોલમાં 78 રન બનાવ્યા હતા પરંતુ તેના આઉટ થયા બાદ ધબડકો થતાં પાકિસ્તાને 22 રનના ગાળામાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઉસ્માન ખાન અને અબ્દુલ્લા શફીકે પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી નોંધાવી હતી. પાકિસ્તાનનો 39મી ઓવરમાં સ્કોર ત્રણ વિકેટે 249 રનનો હતો પરંતુ ધબડકો થતાં પૂરી ટીમ 271 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી.
નેપિચરમાં ચેપમેને મેચવિનિંગ 132 રનની ઇનિંગ રમી હતી અને આ સાથે તે દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થઇ ગયો છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડના રોઝ ટેલરે 2011ના વન-ડે વર્લ્ડ કપમાં પાલેકલ ખાતે પાકિસ્તાન સામે 124 બોલમાં અણનમ 131 રનની ઇનિંગ રમી હતી અને હવે ચેપમેને પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ તરફ્થી સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. ચેપમેને 14 વર્ષ બાદ રોઝ ટેલરનો રેકોર્ડ તોડયોછે.


