રિષભ પંતના નેતૃત્વમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ મંગળવારે પંજાબ કિંગ્સ સામે વિજય હાંસલ કરવાના ઇરાદા સાથે પોતાના હોમગ્રાઉન્ડ ઇકાના સ્ટેડિયમમાં ઉતરશે. આઈપીએલની 13મી મેચમાં લખનઉના નિકોલસ પૂરનના ધમાકેદાર ફોર્મ અને પંજાબના શ્રોયસ ઐયરની કેપ્ટનશિપની આકરી કસોટી થાય તેવી સંભાવના છે.
બંને ટીમે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું છે જેના કારણે મુકાબલો રોમાંચક બની શકે છે. પૂરને પોતાની છેલ્લી પાંચ મેચમાં 250 પ્લસ રન બનાવ્યા છે અને તેણે પોતાની ક્ષમતાના આધારે લખનઉ માટે મેચના પરિણામ પણ બદલ્યા છે. બીજી તરફ ઐયરે કેપ્ટનશિપ અને પંજાબની પ્રથમ મેચમાં 42 બોલમાં અણનમ 97 રન બનાવીને પોતાના અભિયાનને એક નવી દિશા આપી છે. બંને ટીમ પોતાનો વિજયરથ આગળ વધારવાના તમામ પ્રયાસ કરશે.
લખનઉ પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે એક વિકેટે હાર્યા બાદ જોરદાર પુનરાગમન કર્યું હતું અને હૈદરાબાદ સામે વિજય હાંસલ કર્યો હતો. પંજાબે ગુજરાત ટાઇટન્સને તેના જ ઘરઆંગણે હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પૂરન ઉપરાંત મિચેલ માર્શ પણ શાનદાર દેખાવ કરી રહ્યો છે. જોકે સુકાની રિષભ પંત અને ડેવિડ મિલર કોઈ પ્રભાવશાળી ઇનિંગ રમી શક્યા નથી. બોલિંગમાં શાર્દુલ ઠાકુરે છ વિકેટ ઝડપીને બોલિંગ એટેકનું નેતૃત્વ કર્યું છે. સ્પિનર રવિ બિશ્નોઈ મિડલ ઓવર્સમાં હરીફ ટીમ માટે ખતરો બની શકે છે.
ઐયરના નેતૃત્વમાં પંજાબની ટીમ મજબૂત દેખાય છે. પ્રિયાંશ આર્ય તથા શશાંકસિંહે પણ મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી છે બોલિંગમાં અર્શદીપસિંહ અને માર્કો જાનસેન પ્રભાવિત કરી રહ્યા છે. યુજવેન્દ્ર ચહલ ઇકાનાની સ્પિન ફ્રેન્ડલી પિચ ઉપર ઘાતક બની શકે છે. પિચ સપાટ હોવા છતાં વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે. બીજી ઇનિંગમાં ઝાકળ પડવાના કારણે રનચેઝ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે. ટીમના બેલેન્સ અને મજબૂત બેટિંગ લાઇનઅપના કારણે પંજાબની ટીમ વિજય માટે ફેવરિટ રહેશે.


