IPL 2025માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાશે. આ મેચમાં ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્મા એકબીજા સામે ટકરાશે. રોહિત મુંબઈ ફ્રેન્ચાઇઝી માટે રમે છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ, તેને ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. તેમના સ્થાને, હાર્દિક પંડ્યા ગયા સિઝનથી કેપ્ટન છે.
રોહિત સાથેના સંબંધો વિશે કરી વાત
RCB ની વાત કરીએ તો, ટીમ હજુ પણ તેના પહેલા ટાઈટલની રાહ જોઈ રહી છે. વિરાટ કોહલી 2008 થી આ ટીમ સાથે છે, પરંતુ હજુ સુધી તેને ચેમ્પિયન બનાવી શક્યો નથી. બંને ટીમો વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ પહેલા વિરાટે રોહિત શર્મા સાથેના પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. બંને લગભગ 15 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સાથે રમી રહ્યા છે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
RCB દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કોહલીએ કહ્યું કે “મને લાગે છે કે જ્યારે તમે કોઈની સાથે આટલા લાંબા સમય સુધી રમો છો અને રમત વિશે ઘણી બધી વાતો શેર કરો છો. તમે એકબીજા પાસેથી શીખો છો, ત્યારે તમે કદાચ તમારી કારકિર્દીમાં તે જ સમયે વિકાસ કરી રહ્યા છો, અને તમે તમામ પ્રકારની પૂછપરછ અને સવાલો શેર કરો છો, તેથી તે ખૂબ જ સ્વાભાવિક બાબત છે. અમે ટીમનું નેતૃત્વ કરવાના સંદર્ભમાં ખૂબ નજીકથી કામ કર્યું હતું, તેથી હંમેશા વિચારો પર ચર્ચા થતી હતી અને લગભગ તે ભાવનાના સંદર્ભમાં અમે એક જ સ્થાને હતા. એક વિશ્વાસ પરિબળ છે અને ટીમ માટે કામ કરવું છે.”
વિરાટ-રોહિત વિશે ચર્ચાઓ
ભારતીય ટીમમાં વિરાટ અને રોહિત જે સમીકરણ બનાવે છે તેના વિશે ઘણી ચર્ચાઓ થઈ છે. સોશિયલ મીડિયા પર ડ્રેસિંગ રૂમની બીજી ઘણી વાર્તાઓ ખોટી રીતે ફેલાવવામાં આવી છે ત્યારે અણબનાવની ચર્ચાઓ પણ ફેલાઈ છે. પરંતુ કોહલીએ કહ્યું કે તેને કે રોહિતને ખબર ન હતી કે તેઓ 15 વર્ષ પછી પણ દેશ માટે રમશે.
‘અમે 15 વર્ષ સુધી ભારત માટે રમીશું’
વિરાટે કહ્યું કે ‘અમે સાથે રમવાનો સમય ચોક્કસપણે માણ્યો છે. અમે અમારી કારકિર્દીને લંબાવી શકીએ છીએ. જ્યારે અમે નાના હતા ત્યારે ખાતરી ન હતી કે અમે 15 વર્ષ સુધી ભારત માટે રમીશું. આટલી લાંબી અને સતત મુસાફરી કરવા બદલ ખૂબ આભારી અને ખુશ છું, બધી યાદો, બધી ક્ષણો જે અમે શેર કરી છે અને શેર કરતા રહીએ છીએ.’


