ભારતના અવિનાશ જામવાલે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ઇટાલીના જિયાનલુઇગી મલંગાને હરાવીને બ્રાઝિલના ફોજ ડો ઇગુઆકુ શહેરમાં ચાલી રહેલા બોક્સિંગ વર્લ્ડ કપની 65 કિગ્રા વજનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
બાવીસ વર્ષીય અવિનાશે મલંગાની પહોંચથી દૂર રહેવા માટે પોતાની ઊંચાઈ અને ગતિનો સારો ઉપયોગ કર્યો હતો. તેણે 5-0ના સર્વસંમત મતોથી જીત મેળવી હતી. પાંચમાંથી ચાર જજોએ જામવાલને પરફેક્ટ 30 ગુણ આપ્યા હતા. જામવાલ આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારો બીજો ભારતીય ખેલાડી છે. આની પહેલાં ગુરુવારે 70 કિગ્રાની સ્પર્ધામાં ફ્રાન્સના ઓલમ્પિયન માકન ટ્રાઓરેને હરાવીને હિતેશ ફાઇનલમાં પહોંચ્યો હતો. ફાઇનલમાં હિતેશની સ્પર્ધા ઇંગ્લેન્ડના ઓડેલ કામારા સાથે, જ્યારે જામવાલનો મુકાબલો સ્થાનિક બોક્સર યૂરી રીસ સાથે થશે. ભારતના અન્ય એક બોક્સર મનીષ રાઠોડ 55 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નૂરસુલ્તાન અલ્ટિનબેક સામે 0-5થી હારી ગયો હતો.


