મહિલા T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ આવતા વર્ષે 5 જુલાઈએ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ માહિતી ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે.
લોર્ડ્સ સિવાય બાકીની મેચો ઓલ્ડ ટ્રેફોર્ડ, હેડિંગલી, એજબેસ્ટન, ઓવલ, હેમ્પશાયર બાઉલ અને બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. બધી ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને ત્યારબાદ નોકઆઉટ મેચો રમાશે.
ક્વોલિફાય થઈ છે આઠ ટીમો
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સહિત આઠ ટીમો અત્યાર સુધીમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. બાકીની ચાર ટીમો ICC મહિલા T20 વર્લ્ડકપ ક્વોલિફાયર 2025માંથી પસંદ કરવામાં આવશે.
ICC ચેરમેને બહાર પાડ્યું નિવેદન
ICC ચેરમેને જણાવ્યું હતું કે, “બધી ટીમોને યુકેમાં જબરદસ્ત સમર્થન મળે છે. 2017માં લોર્ડ્સમાં મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં દર્શકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને ફાઈનલ માટે આનાથી સારું કોઈ સ્થળ ન હોઈ શકે.”
તેમને વધુમાં કહ્યું કે “અમે ટુર્નામેન્ટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે રોમાંચક T20 ક્રિકેટ ફક્ત અહીં ફેન્સને આકર્ષિત કરશે જ નહીં પરંતુ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માં ક્રિકેટની વાપસી માટે એક મોટી તક પણ બનશે.” મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 2020 T20 વર્લ્ડકપ ફાઈનલમાં રેકોર્ડ 86,174 દર્શકોએ હાજરી આપી હતી. ત્યારબાદ, કેપટાઉન (2023) અને દુબઈ (2024) માં રમાયેલા T20 વર્લ્ડકપ ફાઈનલમાં પણ સ્ટેડિયમ ભરાયેલા જોવા મળ્યા.
આ પ્રમાણે હશે ફોર્મેટ
12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ પછી નોકઆઉટ સ્ટેજ અને પછી ફાઈનલ થશે. ન્યુઝીલેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે લૌરા વોલ્વાર્ડની દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવ્યું હતું. ભારત હજુ સુધી આ ખિતાબ જીતી શક્યું નથી. ભારતે 2020 માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી.


