જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
‘સ્વચ્છતા હી સેવા‘ ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન પરિસરની સફાઈ કરી નાગરિકોને જાહેર મિલકતો સ્વચ્છ રાખવાનો આપ્યો સંદેશ
અગ્ર ગુજરાત, જેતપુર
સરકારના આદેશ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જેતપુર બસ સ્ટેશન ખાતે એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી. વિભાગ અને જી.કે. એન્ડ સી.કે. બોસમીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના NSS (નેશનલ સર્વિસ સ્કીમ) યુનિટ ૧ અને ૨ ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર જોડાાઈને શ્રમદાન કર્યું હતું.
યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય અને તેઓ રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય બને તે ઉદ્દેશ્ય સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોલેજના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, જેવી રીતે આપણે પોતાના ઘરને સ્વચ્છ રાખીએ છીએ, તેવી જ રીતે બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પણ આપણી પોતાની મિલકત છે. સરકારી અભિયાનોને સફળ બનાવવા નાગરિકોનો સહકાર અનિવાર્ય છે.
NSS ના સ્વયંસેવકોએ બસ સ્ટેશનના ખૂણે-ખૂણેથી કચરો એકત્રિત કરી પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું. આ તકે NSS વિભાગ અને ફેકલ્ટી દ્વારા જાહેર જનતા તેમજ મુસાફરોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવો, કચરો હંમેશા નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાખવો. જેતપુર શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા સરકારી મિલકતોની જાળવણીમાં સક્રિય સહયોગ આપવા સહિતની વિશેષ અપીલ કરવામાં આવી હતી.


